હિંગોળગઢ નજીક એલસીબીનો મોટો દરોડો: રૂ.25.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, બુટલેગરો ફરાર

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદે દારૂની હેરાફેરી સામે પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે વિંછિયા પોલીસ સ્ટેશન હદમાં હિંગોળગઢ નજીક વીડી વિસ્તારમાં દરોડો પાડી અંદાજે રૂ.25.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ દારૂની હેરાફેરીમાં સંકળાયેલા શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે હિંગોળગઢથી ગુંદાળા તરફ જતાં માર્ગ પર આવેલા વીડી વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન રેઢીયાળ હાલતમાં પડેલી 3,732 દારૂની બોટલો (311 પેટીઓ) મળી આવી હતી. સમગ્ર જથ્થો કબજે કરીને પોલીસે સ્થળનો કબ્જો સંભાળ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ આ દારૂનો જથ્થો અન્યત્ર પહોંચાડવાની તૈયારી ચાલી રહી હતી. પરંતુ એલસીબીની ટીમના અચાનક દરોડાને કારણે હેરાફેરીમાં સંકળાયેલા શખ્સો જથ્થો છોડીને નાસી છૂટ્યા હોવાનું પોલીસનું અનુમાન છે.

આ કાર્યવાહી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય એલસીબીના પીઆઈ જે.પી. રાવની આગેવાનીમાં કરવામાં આવી હતી. જિલ્લામાં દારૂ અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત આ સફળ ઓપરેશન હાથ ધરાયું હતું.

પોલીસે કબજે કરાયેલા દારૂની કિંમત અંદાજે રૂ.25,60,152 હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે વિંછિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી દારૂનો જથ્થો અહીં કોણે પહોંચાડ્યો, તેનો મૂળ સપ્લાયર કોણ છે અને હેરાફેરીના સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ શરૂ કરવામાં આવી છે.

તાજેતરના સમયમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં દારૂની હેરાફેરીના અનેક મોટા કેસ સામે આવ્યા છે. પોલીસનું કહેવું છે કે બુટલેગરો સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે અને સમગ્ર સપ્લાય ચેઇનને નેસ્તનાબૂદ કરવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવશે.

Leave a Comment

और पढ़ें