પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની જેલમાંથી મુક્તિની માંગ સાથે તેમની પાર્ટી PTI દ્વારા દેશવ્યાપી વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. માર્ચને પગલે ઇસ્લામાબાદમાં પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા કડક કરી શહેરના મુખ્ય રસ્તાઓ અને હાઇવે બંધ કરી દીધા છે.
શહેરના પ્રવેશ માર્ગો પર 1,000થી વધુ શિપિંગ કન્ટેનર, રેતીના કોથળા અને તારની વાડ લગાવી અવરજવર રોકવામાં આવી છે. જાહેર સભાઓ અને વિરોધ પ્રદર્શનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સુરક્ષા માટે 22 હજારથી વધુ પોલીસ અને સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
ખૈબર પખ્તુનખ્વાથી ઇસ્લામાબાદને જોડતા મુખ્ય હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે. રસ્તાઓ બંધ રહેતા સ્થાનિક વેપારીઓ અને સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમરાન ખાન ઓગસ્ટ 2023થી જેલમાં છે અને તેમની મુક્તિની માંગ સાથે PTIના સમર્થકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.
દરમિયાન, સુરક્ષા કડક બનતા PTIના નેતાઓએ હાલનું પ્રદર્શન સ્થગિત કરીને તેને 4 ઓક્ટોબર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. બીજી તરફ, ઇમરાન ખાનની ત્રણ બહેનો અલીમા ખાન, ઉઝમા ખાન અને નોરીન નિયાઝીની અટકાયતના અહેવાલ બાદ પાકિસ્તાનમાં રાજકીય તણાવ વધુ ચર્ચામાં આવ્યો છે.








