8 રાજ્યોમાં ભારે વરસાદની અસર, રાજસ્થાન-મધ્યપ્રદેશ સહિત 14 રાજ્યોમાં એલર્ટ; અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત
લખનૌ : ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે વિવિધ દુર્ઘટનાઓમાં 13 લોકોનાં મોત થયા છે. રાજ્યના 32 જિલ્લાઓમાં પૂરનું જોખમ ઊભું થયું છે, જ્યારે 58 જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અનેક વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
ભારે વરસાદ અને પવનને કારણે કન્નોજમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ-વે પર એક કાર પલટી ગઈ હતી. તેમાં પાંચ લોકો ફસાયા હતા. લખનઉ, સુલ્તાનપુર અને શામલીમાં યુનિવર્સિટી તથા કોલેજો પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
દરમિયાન છત્તીસગઢમાં પણ આશરે 36 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં શનિવારે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી. બિહારના સુપૌલ જિલ્લામાં આશરે 50 ગામો પૂરથી પ્રભાવિત થયા છે, જ્યારે 19 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ લોકોનાં મોત થયાના અહેવાલ છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હેમકુંડ સાહિબ અને બદ્રીનાથમાં હિમવર્ષા થઈ છે. પિથોરાગઢ-ઘાટ રોડ પર ભૂસ્ખલન થતાં 300થી વધુ વાહનો ફસાયા હતા.
બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન પ્રણાલી દક્ષિણ છત્તીસગઢથી ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહી છે. તેની અસરને પગલે ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 14 રાજ્યોમાં હવામાન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.








