રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામની સીમમાં ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. રેડવુડ ઇન્ડસ્ટ્રીયલ નામના કારખાનામાં બાયર ક્રોપ સાયન્સ, યુનાઇટેડ ફોસ્ફરસ (UPL), સિજેન્ટા, ઇન્સેક્ટિસાઇડ્સ ઇન્ડિયા અને FMC ઇન્ડિયા જેવી કંપનીઓના નામે ડુપ્લિકેટ ખેતીની દવાઓ તૈયાર કરી સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વેચાણ કરવામાં આવતું હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
અસલી બ્રાન્ડ કંપનીઓ માટે તપાસ કરતી ટીમ અને રાજકોટ ગ્રામ્ય SOGની સંયુક્ત કાર્યવાહીમાં ફેક્ટરી પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન રૂ.10.12 લાખની કિંમતની શંકાસ્પદ ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ ઉપરાંત અલગ-અલગ કંપનીના સ્ટીકર, ખાલી બોટલો અને રોલ સહિત કુલ રૂ.1.95 લાખનો અન્ય મુદ્દામાલ મળી આવતા પોલીસે કબજે કર્યો હતો.
દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી નિર્ભય હરસુખ સુદાણી નામના શખ્સને અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન દવાઓ બનાવવા અને વેચાણ અંગેનું લાઇસન્સ માંગવામાં આવતા તેની પાસે કોઈ લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. આ મામલે કોપીરાઇટ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ પડધરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
એક વર્ષથી ચાલતું હોવાનો ખુલાસો
પોલીસ તપાસમાં સામે આવેલી માહિતી મુજબ, આરોપી છેલ્લા આશરે એક વર્ષથી અલગ-અલગ સ્થળેથી કાચો માલ મંગાવી ફેક્ટરીમાં દવાઓ તૈયાર કરતો હોવાની કબૂલાત આપી છે. મોટા પ્લાસ્ટિકના બેરલમાં વિવિધ રો-મટીરિયલનું મિશ્રણ કરીને તેને ખાલી બોટલોમાં ભરવામાં આવતું હતું. ત્યારબાદ વિવિધ જાણીતી કંપનીઓના સ્ટીકર લગાવી આ દવાઓ બજારમાં વેચવામાં આવતી હોવાનો પોલીસનો દાવો છે.
પોલીસના જણાવ્યા મુજબ આ ડુપ્લિકેટ દવાઓ સૌરાષ્ટ્રના અલગ-અલગ નાના-મોટા શહેરોમાં આવેલા એગ્રો સેન્ટરો સુધી પહોંચાડવામાં આવતી હોવાની પણ તપાસમાં માહિતી મળી છે. જેના કારણે આ નેટવર્કમાં અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ખેતીવાડી વિભાગે સેમ્પલ લીધા
દરોડા દરમિયાન મળી આવેલી શંકાસ્પદ જંતુનાશક દવાઓ અંગે ખેતીવાડી વિભાગને જાણ કરવામાં આવી હતી. અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા બાદ દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને વધુ તપાસ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. આ સેમ્પલના રિપોર્ટ બાદ જ દવાઓમાં કયા ઘટકોનો ઉપયોગ થયો હતો અને તેની ગુણવત્તા તથા અસર અંગે વધુ વિગતો સ્પષ્ટ થશે.
આ સમગ્ર કાર્યવાહી બાદ પડધરી પોલીસે આરોપીને નોટિસ આપી વધુ તપાસ હાથ ધરી છે. ફેક્ટરીમાંથી મળેલા સ્ટીકર, ખાલી બોટલો, રોલ અને અન્ય સામગ્રીને આધારે ડુપ્લિકેટ દવાઓ ક્યાંથી તૈયાર થતી હતી અને સૌરાષ્ટ્રના કયા વિસ્તારોમાં તેનું વેચાણ કરવામાં આવ્યું હતું તે અંગે તપાસ ચાલી રહી છે.
ખેડૂતો માટે સૌથી મહત્વની બાબત એ છે કે અજાણી જગ્યાએથી અથવા શંકાસ્પદ રીતે પેક થયેલી જંતુનાશક દવાઓ ખરીદતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. જાણીતી કંપનીના નામે વેચાતી દવા અસલી છે કે નહીં તેની ચકાસણી કર્યા બાદ જ ખરીદી કરવી જરૂરી બની છે.








