નેપાળમાં પૂર વચ્ચે લૂંટની હદ : તણાઈ આવેલી તિજોરીમાંથી રૂ.92.68 લાખની ચોરી, 29ની ધરપકડ

નેપાળમાં વિનાશક પૂર અને ભારે તબાહી વચ્ચે માનવતાને શરમાવે તેવી લૂંટની ઘટના સામે આવી છે. ભોટેકોશી વિસ્તારમાં પૂરનાં પાણીમાં તણાઈને ત્રિશૂલી નદીના કિનારે આવેલી તિજોરીને તોડી તેમાંથી લાખો રૂપિયાની રોકડ ચોરી કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી કરીને 29 લોકોને ઝડપી પાડ્યા છે.

પોલીસના જણાવ્યા મુજબ, પકડાયેલા લોકો પાસેથી કુલ રૂ.92,68,505ની રોકડ રકમ રિકવર કરવામાં આવી છે. મોટાભાગના આરોપીઓ ધાડિંગ અને આસપાસના વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ આ રોકડ રકમના સાચા માલિકની ઓળખ કરવા તપાસ કરી રહી છે.

મૃત મહિલાના મૃતદેહમાંથી સોનાની બુટ્ટી કાઢ્યાનો આરોપ

પૂરની હોનારત વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નારાયણી નદીમાં તણાઈને આવેલા મૃતદેહમાંથી સોનાની બુટ્ટી ચોરવાના આરોપમાં પોલીસે અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં બંને શખ્સો પૂરનાં પાણીમાં તણાઈને આવેલા મૃત મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી કાઢતા જોવા મળ્યા હોવાનું જણાવાયું છે.

નેપાળમાં એક તરફ પૂર અને ભારે વરસાદે વિનાશ વેર્યો છે અને અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે આફતના સમયમાં લૂંટ અને મૃતદેહ પરથી દાગીના ચોરવાની ઘટનાઓ સામે આવતા ભારે ચકચાર ફેલાઈ છે.

Leave a Comment

और पढ़ें