CM વિજય થલપતિની અચાનક જેલ મુલાકાત : 23,608 કેદીઓ માટે શિક્ષણ-તાલીમની જાહેરાત

તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય (વિજય થલપતિ)એ ચેન્નાઈની પુજ્હલ સેન્ટ્રલ જેલની અચાનક મુલાકાત લઈને કેદીઓ અને જેલની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ કેદીઓ સાથે સીધો સંવાદ કરી તેમની સમસ્યાઓ અને જેલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.

મુલાકાત દરમિયાન વિજય થલપતિએ જણાવ્યું હતું કે અનેક લોકો સંજોગોના કારણે જેલમાં પહોંચતા હોય છે. તેમણે અજાણતાં થયેલી ભૂલ અને ઈરાદાપૂર્વક કરાયેલા ગુનામાં તફાવત સમજાવીને કેદીઓને સુધરવાની તક આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

કેદીઓને રુચિ મુજબ વ્યવસાયિક તાલીમ અપાશે

મુખ્યમંત્રીએ અધિકારીઓને કેદીઓની ક્ષમતા અને રુચિ અનુસાર શિક્ષણ તથા વ્યવસાયિક તાલીમ આપવાના નિર્દેશ આપ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ કેદીઓ સ્વાભિમાનપૂર્વક જીવન જીવી શકે અને રોજગાર મેળવી શકે તે માટે તાલીમને મહત્વ આપવામાં આવશે.

કેદીઓમાં વાંચનની ટેવ વિકસે તે માટે જેલોમાં પૂરતા પ્રમાણમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવા પણ સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જેલના રસોડા, તબીબી સુવિધાઓ અને કપડાંના સ્ટોરની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાની પણ ચકાસણી કરી હતી.

તમિલનાડુની 125 જેલમાં 23,608 કેદીઓ

સરકારી આંકડા પ્રમાણે તમિલનાડુની 125 જેલોમાં કુલ 23,608 કેદીઓ છે. જેમાં 2,076 કેદીઓ નિરક્ષર છે, જ્યારે 1,317 કેદીઓ સ્નાતક અને 323 કેદીઓ અનુસ્નાતક છે.

વિધાનસભામાં જેલ વિભાગની ગ્રાન્ટ માંગણીઓ અંગે ચર્ચા બાદ મુખ્યમંત્રીએ જેલ સુધારણા અને કેદીઓના પુનર્વસન પર ભાર મૂક્યો છે. જેલ સ્ટાફ માટે વધારાના બોડી કેમેરા તથા અન્ય સુવિધાઓને પણ મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે.

સરકારનો હેતુ કેદીઓને માત્ર સજા આપવાનો નહીં પરંતુ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને પુનર્વસન દ્વારા તેમને સમાજમાં ફરીથી સન્માનજનક જીવન જીવવા સક્ષમ બનાવવાનો છે.

Leave a Comment