હોર્મુઝ જળમાર્ગમાં તણાવ ચરમસીમાએ : અમેરિકી હુમલા બાદ ઈરાને જોર્ડન સહિતના વિસ્તારોમાં મિસાઈલો છોડ્યાનો દાવો
નવી દિલ્હી: એક મહિના જેટલા સમયના વિરામ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી સૈન્ય અથડામણ શરૂ થઈ છે. અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગ નજીક ઈરાની સૈન્ય ઠેકાણાં, રડાર અને દરિયાઈ લશ્કરી સાધનોને નિશાન બનાવી હુમલા કર્યા હોવાનું અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે.
ટ્રમ્પની કડક ચેતવણી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે અમેરિકી હુમલાનો જવાબ આપવામાં આવશે તો ઈરાન સામે હજુ વધુ મોટા અને કડક હુમલા કરવામાં આવશે. ટ્રમ્પે તાજેતરના અમેરિકી હુમલાઓને યોગ્ય ગણાવ્યા છે.
ઈરાનનો વળતો પ્રહાર
અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને જોર્ડન સહિતના વિસ્તારમાં અમેરિકી દળો અને મથકોને નિશાન બનાવી ડ્રોન તથા મિસાઈલ હુમલા કર્યા હોવાના અહેવાલો છે. ઈરાન તરફથી બહેરીન, કુવૈત અને ઈરાકમાં અમેરિકી હિતોને નિશાન બનાવવાની પણ ધમકીઓ આપવામાં આવી છે.
હોર્મુઝ જળમાર્ગ બન્યું યુદ્ધનું કેન્દ્ર
હોર્મુઝ જળમાર્ગમાં અમેરિકી અને ઈરાની દળો વચ્ચેનો તણાવ વૈશ્વિક સ્તરે પણ ચિંતાનું કારણ બન્યો છે. અમેરિકાએ ઈરાની રડાર અને દરિયાઈ યુદ્ધસામગ્રીને નિશાન બનાવવાનું કારણ વ્યાપારી જહાજો તથા અમેરિકી દળો સામેના કથિત જોખમોને ગણાવ્યું છે.
ક્રૂડ ઓઈલના ભાવ પર સીધી અસર
હોર્મુઝ વિશ્વના મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંનું એક હોવાથી અહીં વધતા લશ્કરી તણાવની સીધી અસર વૈશ્વિક ક્રૂડ ઓઈલ બજાર પર પડી રહી છે. યુદ્ધ વધુ વિસ્તરે તો સપ્લાયમાં વિક્ષેપ અને ઊર્જાના ભાવમાં વધુ ઉછાળાની આશંકા છે.
યુદ્ધ વધુ ભડકવાની ભીતિ
અમેરિકા વધુ હુમલાની ચેતવણી આપી રહ્યું છે અને ઈરાન પણ કડક જવાબ આપવાની વાત કરી રહ્યું છે. બંને તરફથી વધતી ધમકીઓ વચ્ચે હોર્મુઝ જળમાર્ગ અને સમગ્ર મધ્યપૂર્વમાં સંઘર્ષ વધુ વિસ્તરે છે કે ફરી રાજદ્વારી ઉકેલનો માર્ગ ખુલે છે, તેના પર હવે સમગ્ર વિશ્વની નજર છે.








