જુલાઈમાં રશિયાનો ભારતની તેલ આયાતમાં હિસ્સો 55.5% પહોંચ્યો
નવી દિલ્હી: અમેરિકાની 100% સુધીની ટેરિફની ધમકી છતાં ભારતે જુલાઈમાં રશિયા પાસેથી રેકોર્ડ પ્રમાણમાં ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે.
CREAના અહેવાલ મુજબ, જુલાઈમાં ભારતે દરરોજ સરેરાશ 28 લાખ બેરલ રશિયન ક્રૂડ આયાત કર્યું હતું. ભારતની કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો વધીને 55.5% થયો હતો.
મુંદ્રા, વાડીનાર અને મુંબઈ બંદરો પર રશિયન તેલની આવકમાં વધારો નોંધાયો છે.
2021માં ભારતની રશિયન તેલ આયાતનો હિસ્સો માત્ર 2.5% હતો. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ડિસ્કાઉન્ટેડ ક્રૂડ મળતાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદીમાં મોટો વધારો કર્યો છે.
રશિયન તેલના મોટા ખરીદદારો પર 100% સુધી ટેરિફ લાદવાની અમેરિકી ધમકી વચ્ચે પણ ભારત પોતાની ઊર્જા જરૂરિયાત અને આર્થિક ફાયદાને ધ્યાનમાં રાખીને રશિયન ક્રૂડની ખરીદી ચાલુ રાખી રહ્યું છે.








