CM ભૂપેન્દ્ર પટેલની પાલિકાઓને કડક તાકીદ: સ્વચ્છતા નહીં તો ગ્રાન્ટ નહીં

જળભરાવ-ભૂવા અટકાવવા આગોતરું આયોજન; નવા રોડ RCCના બનાવવા ભાર

ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકા અને પાલિકાઓને સ્વચ્છતા તથા રસ્તાની ગુણવત્તા અંગે કડક સૂચના આપી.

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે સ્વચ્છતા નહીં જળવાય તો ગ્રાન્ટ પર પુનર્વિચાર થઈ શકે છે. સ્થાનિક સંસ્થાઓએ પ્રજાના નાણાંનો યોગ્ય ઉપયોગ કરી શહેરોમાં સ્વચ્છતા જાળવવી જરૂરી હોવાનું જણાવ્યું.

ચોમાસામાં અમદાવાદ સહિત શહેરોમાં સર્જાતા જળભરાવ અને ભૂવા અંગે તેમણે આગોતરું આયોજન કરવા સૂચના આપી. ભારે વરસાદને પહોંચી વળવા ડ્રેનેજ અને પાણીના નિકાલની વ્યવસ્થા મજબૂત કરવા ભાર મૂક્યો.

ભૂવા પડવાના કારણો શોધવા ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ અને ભૂગર્ભ લાઈનો-ડ્રેનેજની નિયમિત તપાસ કરવા જણાવ્યું.

રસ્તાઓ અંગે મુખ્યમંત્રીએ શક્ય હોય ત્યાં સુધી RCC રોડ બનાવવા સૂચના આપી. ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જતા હોવાથી લાંબા ગાળાની ટકાઉપણાને પ્રાથમિકતા આપવા કહ્યું.

સાથે જ રસ્તા તૂટે કે સમસ્યા સર્જાય ત્યારે જવાબદારી નક્કી થાય તેવી વ્યવસ્થા કરવા પણ અધિકારીઓને તાકીદ કરી.

Leave a Comment