પોલીસ જ ધમકી આપે તો પ્રજા ન્યાય માટે ક્યાં જાય?

પોલીસ જ ધમકી આપે તો પ્રજા ન્યાય માટે ક્યાં જાય?

ફરિયાદીને ધમકી આપનાર કોન્સ્ટેબલ સામે કાર્યવાહી નહીં, હાઈકોર્ટની ટકોર બાદ પણ પોલીસ તંત્ર મૌન!

 

રાજકોટ પોલીસની કામગીરી ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. એક તરફ સામાન્ય નાગરિકોને કાયદાનું પાલન કરાવવાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ ફરિયાદીને જ ધમકી આપનાર પોલીસ કોન્સ્ટેબલ સામે કાર્યવાહી ન થતાં પોલીસ તંત્રની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

આક્ષેપ મુજબ, ભક્તિનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભગીરથસિંહ જયવંતસિંહ ઝાલાએ ફરિયાદીને ફોન કરીને ખુલ્લેઆમ ધમકી આપી હતી કે, “ઘરમાંથી નીચે ઉતર, નહીં તો તારા પર 307નો ગુનો લગાવી દઈશ.” એટલું જ નહીં, ફરિયાદી દ્વારા ફોન રેકોર્ડ થતો હોવાનું જણાવતાં પણ કોન્સ્ટેબલે કથિત રીતે કહ્યું હતું કે, “રેકોર્ડિંગ કરવું હોય તો કરી લે, સિસ્ટમ મારી સાથે છે.”

ફરિયાદીએ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આખરે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા. હાઈકોર્ટે સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવા સ્પષ્ટ સૂચના આપી હોવાની ચર્ચા છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો કાયદાના રક્ષક જ ફરિયાદીને ડરાવવાની ભાષા બોલે અને તેમના સામે પણ કાર્યવાહી ન થાય, તો સામાન્ય નાગરિક ન્યાય માટે કોના દરવાજે જાય?

આ કેસ માત્ર એક ફરિયાદીનો નથી, પરંતુ પોલીસ તંત્રમાં જવાબદારી, પારદર્શિતા અને કાયદાના સમાન અમલની કસોટી બની ગયો છે. હવે સૌની નજર પોલીસ કમિશનર અને સંબંધિત તંત્રની આગામી કાર્યવાહી પર છે.

Leave a Comment