સરદાર ચોક નજીક આગ લાગતાં દોડધામ મચી; ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લેવા હાથ ધરી કામગીરી
સુરત: શહેરના સરથાણા યોગીચોક વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સરદાર ચોક નજીક આવેલા ઘરવખરીના સામાનના ગોડાઉનમાં આગ ભભૂકી ઊઠતાં થોડા જ સમયમાં સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું.
આગની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી શરૂ કરી હતી. આગને કારણે ગોડાઉનમાં રાખેલો મોટો જથ્થો બળી જતાં ભારે આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા ફાયર વિભાગ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.









