આગામી એક અઠવાડિયા ભારે વરસાદની આગાહી; ફ્લેશ ફ્લડ, લેન્ડસ્લાઈડ અને મડસ્લાઈડના જોખમથી પ્રશાસન સતર્ક
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં ચોમાસું ફરી સક્રિય બનતાં રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે નદીઓમાં જળસ્તર વધવાની સાથે ફ્લેશ ફ્લડ, ભૂસ્ખલન અને મડસ્લાઈડના જોખમને લઈને હવામાન વિભાગે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આગામી એક અઠવાડિયા સુધી રાજ્યમાં વ્યાપક વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં સાંબા જિલ્લામાં સૌથી વધુ 87 મીમી વરસાદ નોંધાયો છે. ઉપરાંત કટડામાં 71.2 મીમી, ઉધમપુરમાં 65 મીમી અને જમ્મુ શહેરમાં 52 મીમી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
વિભાગે ચેતવણી આપી છે કે 29 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન જમ્મુ વિભાગના સંવેદનશીલ વિસ્તારોમાં અચાનક પૂર અને ભૂસ્ખલનની શક્યતા રહેશે, જ્યારે 3થી 5 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધુ વધતાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પ્રશાસને સ્થાનિક નાગરિકો, પ્રવાસીઓ અને યાત્રાળુઓને નદી-નાળા, ઝરણાં અને જળાશયોથી દૂર રહેવા તેમજ ભૂસ્ખલન સંભવિત પહાડી માર્ગો પર બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે.
વહીવટી તંત્રે લોકોને હવામાન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સમયાંતરે જાહેર કરવામાં આવતી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે, જેથી કોઈપણ સંભવિત આપત્તિ દરમિયાન જાનમાલનું નુકસાન ટાળી શકાય.









