યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદર પાસે કાર્ગો જહાજમાં 13 ભારતીય ખલાસીઓ ફસાયા

યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ડ્રોન-મિસાઈલ હુમલાનો સતત ખતરો; સુરક્ષિત વતન વાપસી માટે ભારત સરકારને તાત્કાલિક હસ્તક્ષેપની અપીલ

નવી દિલ્હી: યુક્રેનના ચોર્નોમોર્સ્ક બંદર નજીક ઉભેલા ‘MV AMIR1’ કાર્ગો જહાજ પર 13 ભારતીય ખલાસીઓ સહિત કુલ 15 ક્રૂ સભ્યો યુદ્ધની વચ્ચે ફસાઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં સતત થઈ રહેલા ડ્રોન અને મિસાઈલ હુમલાને કારણે ખલાસીઓના જીવ પર ગંભીર જોખમ ઊભું થયું છે.

**ફોરવર્ડ સીમેન્સ યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI)**ના જણાવ્યા અનુસાર, જહાજની આસપાસ સતત હુમલાઓ થતાં ક્રૂ સભ્યો ભારે ભયના માહોલમાં દિવસો પસાર કરી રહ્યા છે. ગમે ત્યારે હુમલો જહાજ સુધી પહોંચી શકે તેવી આશંકા વચ્ચે તમામ ખલાસીઓ સુરક્ષિત સ્થળે ખસેડવાની માંગ ઉઠી છે.

યુનિયને ભારત સરકાર, જહાજના માલિકો અને ફ્લેગ સ્ટેટને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને તમામ ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી વતન પરત લાવવાની અપીલ કરી છે.

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલયે બ્લેક સીમાં વ્યાપારી જહાજો પર થતા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અગાઉ ‘MV OMORFI’ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું મોત થતાં ભારતે યુક્રેન સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો હતો અને નાગરિક જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી હતી.

યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીય ખલાસીઓની સુરક્ષાને લઈને હવે તમામની નજર ભારત સરકારના આગામી પગલાં પર કેન્દ્રિત થઈ છે.

Leave a Comment

और पढ़ें