અમેરિકામાં ટ્રમ્પના ચહેરાવાળો 1 ડોલરનો ‘ગોલ્ડન’ સિક્કો લોન્ચ!

250મી વર્ષગાંઠ નિમિત્તે ખાસ સિક્કો બહાર પડ્યો, 25 સિક્કાની કિંમત 61 ડોલર

વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો ખાસ 1 ડોલરનો સિક્કો વેચાણ માટે મૂકવામાં આવ્યો છે. અમેરિકી સરકારી સંસ્થા ‘યુ.એસ. મિન્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ સિક્કાને દેશની 250મી વર્ષગાંઠની ઉજવણી સાથે જોડવામાં આવ્યો છે.

સિક્કાની એક બાજુ ડોનાલ્ડ ટ્રમ્પનું ચિત્ર અને ‘1776-2026’ લખાણ છે. બીજી બાજુ અમેરિકાનું રાષ્ટ્રીય સીલ અને ‘250’ અંકિત કરવામાં આવ્યું છે.

25 સિક્કા માટે 61 ડોલર

યુ.એસ. મિન્ટ દ્વારા આ સિક્કાની કિંમત સામાન્ય ચલણી મૂલ્ય કરતાં વધુ રાખવામાં આવી છે. 25 સિક્કાના પેક માટે 61 ડોલર, જ્યારે 100 સિક્કાની બેગ માટે 154.50 ડોલર કિંમત નક્કી કરવામાં આવી છે.

જોકે સિક્કાની ફેસ વેલ્યુ 1 ડોલર છે, પરંતુ તેને મુખ્યત્વે કલેક્ટર્સ અને સિક્કાના શોખીનો માટેની યાદગાર વસ્તુ તરીકે રજૂ કરવામાં આવ્યો છે.

જીવિત વ્યક્તિના ચહેરા અંગે નિયમમાં ખાસ જોગવાઈ

અમેરિકામાં સામાન્ય રીતે ચલણી નાણા પર જીવિત વ્યક્તિનું ચિત્ર મૂકવા અંગે નિયંત્રણો છે. જોકે, ટ્રમ્પ પ્રશાસને 2020માં બનેલી ખાસ કાયદાકીય જોગવાઈનો ઉપયોગ કરીને અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણી અંતર્ગત આ સિક્કો બહાર પાડ્યો છે.

‘ગોલ્ડન’ નામ, પરંતુ સોનું નથી!

નામથી સિક્કો ગોલ્ડન લાગતો હોવા છતાં તેમાં વાસ્તવિક સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. સિક્કો મુખ્યત્વે તાંબાથી બનેલો છે અને તેમાં જસત, મેંગેનીઝ તથા નિકલનું મિશ્રણ છે.

કલેક્ટર્સ માટે આ સિક્કાને વધુ ખાસ બનાવવા માટે 2.5 લાખ સિક્કા પર ‘4 જુલાઈ’નો વિશેષ માર્ક મૂકવામાં આવ્યો છે. આ સિક્કા રેન્ડમ રીતે વિવિધ વેચાણ બેગમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ સિક્કો અમેરિકાની 250મી વર્ષગાંઠની ઉજવણી સાથે જોડાયેલી ખાસ સ્મૃતિ તરીકે રજૂ કરવામાં આવ્યો હોવાથી સિક્કા સંગ્રહના શોખીનોમાં તેનું આકર્ષણ વધવાની શક્યતા છે.

Leave a Comment

और पढ़ें