કયાંક હેકરના કંટ્રોલમાં તો નથીને તમારા ફોનનો કેમેરો?

કેમેરા ઇન્ડિકેટર વગર કારણ દેખાય તો ચેતજો; સ્પાઇવેરથી ફોટો-વિડિયો પર થઈ શકે છે હેકરની નજર

નવી દિલ્હી: આજના સમયમાં સ્માર્ટફોનનો કેમેરા રોજિંદા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. ફોટો-વિડિયો બનાવવા ઉપરાંત ઓનલાઈન મીટિંગ, સ્કેનિંગ અને અન્ય અનેક કામ માટે કેમેરાનો ઉપયોગ થાય છે. પરંતુ જો ફોનમાં સ્પાઇવેર અથવા માલવેર ઘૂસી જાય તો હેકર તમારી જાણ બહાર કેમેરાની એક્સેસ મેળવી શકે છે અને તમારી જાસૂસી કરી શકે છે.

સામાન્ય રીતે હેકરને કેમેરા સુધી પહોંચવા માટે ફોનમાં કોઈ મેલિશિયસ એપ, સ્પાઇવેર અથવા અન્ય માલવેર ઇન્સ્ટોલ કરાવવું પડે છે. ઘણી વખત જોખમી એપ કેમેરાની પરમિશન માંગે છે અને યુઝર અજાણતાં તેને મંજૂરી આપી દે છે.

એક લિંક અને આખો ફોન જોખમમાં

ઘણા કિસ્સામાં સમસ્યાની શરૂઆત કોઈ શંકાસ્પદ એપ ઇન્સ્ટોલ કરવાથી અથવા ખતરનાક લિંક પર ક્લિક કરવાથી થઈ શકે છે. સ્પાઇવેર અને રિમોટ એક્સેસ ટ્રોજન જેવા માલવેર હેકરને દૂર બેઠા-બેઠા ડિવાઇસ પર નિયંત્રણ મેળવવાની તક આપી શકે છે.

જો કોઈ મેલિશિયસ એપને કેમેરાની પરમિશન મળી જાય તો તે બેકગ્રાઉન્ડમાં કેમેરાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરી શકે છે.

કેમેરા હેક થયો હોવાના સંકેતો

જો તમે કેમેરાનો ઉપયોગ ન કરતા હોવા છતાં ફોનમાં કેમેરા એક્સેસનો ઇન્ડિકેટર દેખાય, તો તરત સાવધાન થવું જરૂરી છે. ખાસ કરીને કોઈ કેમેરા આધારિત એપ ખુલ્લી ન હોય છતાં આવું થાય તો કોઈ અન્ય એપ કેમેરાનો ઉપયોગ કરી રહી હોવાની શક્યતા તપાસવી જોઈએ.

અનધિકૃત એક્સેસ મળ્યા બાદ સ્પાઇવેર ફોટો કે વીડિયો કેપ્ચર કરવાનો પ્રયાસ કરી શકે છે. ફોનમાં અચાનક અસામાન્ય વર્તન, અજાણી એપ અથવા પરમિશનમાં ફેરફાર જોવા મળે તો પણ તપાસ કરવી જરૂરી છે.

કેમેરાને હેકિંગથી કેવી રીતે બચાવશો?

1. એપ પરમિશન તપાસો: ફોનની Settingsમાં જઈને કઈ એપને કેમેરાની પરમિશન આપવામાં આવી છે તે ચેક કરો.

2. બિનજરૂરી એપ ડિલીટ કરો: લાંબા સમયથી ઉપયોગમાં ન આવતી અથવા અજાણી એપને ફોનમાંથી દૂર કરો.

3. શંકાસ્પદ લિંકથી બચો: અજાણ્યા મેસેજ, ઈ-મેઇલ અથવા સોશિયલ મીડિયા પરથી આવેલી શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરો.

4. એપ ક્યાંથી ડાઉનલોડ કરો છો તેનું ધ્યાન રાખો: શક્ય હોય ત્યાં સુધી વિશ્વસનીય અને સત્તાવાર એપ સ્ટોરમાંથી જ એપ ઇન્સ્ટોલ કરો.

5. ફોન અને એપ્સ અપડેટ રાખો: સિક્યોરિટી અપડેટ્સ સમયસર ઇન્સ્ટોલ કરવાથી જાણીતી સુરક્ષા ખામીઓ સામે રક્ષણ મળી શકે છે.

ફોનનો કેમેરા પોતાની મેળે ચાલુ થતો જણાય અથવા કોઈ અજાણી એપ કેમેરાની પરમિશન ધરાવતી જોવા મળે તો તેને અવગણશો નહીં. કેમેરાની પરમિશન તપાસવી એ ફોનની પ્રાઇવસી સુરક્ષિત રાખવાનું સૌથી સરળ પ્રથમ પગલું છે.

Leave a Comment

और पढ़ें