હવે સરકારી સ્કૂલ-કોલેજમાં જ લેવાશે ઓનલાઈન પ્રવેશ પરીક્ષા? તમામ રાજ્યો CBT માટે તૈયાર

NTAની પરીક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર : સરકારી ટેસ્ટિંગ સેન્ટરો ઉભા કરાશે, 2027થી નવી સિસ્ટમ લાગુ કરવાની તૈયારી

નવી દિલ્હી: દેશભરમાં પ્રવેશ પરીક્ષાઓને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે કેન્દ્ર સરકારે મોટો સુધારો કરવાની તૈયારી શરૂ કરી છે. પ્રવેશ પરીક્ષાઓ માટેની બેઠકમાં તમામ રાજ્યોએ કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટિંગ (CBT) સિસ્ટમ અપનાવવા સહમતિ દર્શાવી છે.

નંદન નિલેકણીના નેતૃત્વ હેઠળની હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સ દ્વારા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને રાજ્યની પરીક્ષા એજન્સીઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ માટે સરકારી શાળાઓ અને કોલેજોમાં સુરક્ષિત અને આધુનિક ટેસ્ટિંગ સેન્ટરો ઉભા કરવાની યોજના છે.

ખાનગી કેન્દ્રો પરની નિર્ભરતા ઘટશે

હાલ દેશમાં ઓનલાઈન પરીક્ષા લેવા માટે મર્યાદિત સંખ્યામાં ખાનગી કંપનીઓ પાસે જ પૂરતું માળખું છે. જેના કારણે પરીક્ષા કેન્દ્રોની અછત સર્જાય છે.

ખાનગી કેન્દ્રોમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવા, સર્વર ડાઉન થવા અને વીજળીના પ્રશ્નો જેવી સમસ્યાઓના કારણે અગાઉ પરીક્ષાઓમાં વિક્ષેપ પડ્યાની ફરિયાદો સામે આવી છે. હવે આવી સમસ્યાઓ ઘટાડવા માટે સરકારી સ્તરે જ મજબૂત પરીક્ષા કેન્દ્રો વિકસાવવાની દિશામાં વિચારણા થઈ રહી છે.

NEET જેવી પરીક્ષાઓ પણ CBT મોડમાં?

NEET-UG 2026ની પરીક્ષા સાથે જોડાયેલા પેપર લીકના વિવાદ બાદ NTAની પરીક્ષા પદ્ધતિમાં મોટા સુધારા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે.

સમિતિ દ્વારા સમગ્ર પરીક્ષા પ્રક્રિયાના ડિજિટાઇઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. NEET જેવી મોટા પાયાની પ્રવેશ પરીક્ષાઓને એકથી વધુ દિવસ અને અલગ-અલગ શિફ્ટમાં CBT પદ્ધતિથી યોજવાના વિકલ્પો પર પણ વિચારણા ચાલી રહી છે.

2027થી નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી

નંદન નિલેકણીની આગેવાની હેઠળની કમિટી ઓક્ટોબર પહેલાં પોતાનો અંતિમ અહેવાલ સરકારને સોંપે તેવી શક્યતા છે.

સરકારનો પ્રયાસ છે કે 2027ના આગામી પરીક્ષા ચક્રથી નવી ડિજિટલ પરીક્ષા વ્યવસ્થા અને સરકારી ટેસ્ટિંગ સેન્ટરોનો તબક્કાવાર અમલ શરૂ કરવામાં આવે. આ વ્યવસ્થા લાગુ થશે તો કરોડો વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પ્રક્રિયા વધુ પારદર્શક, સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ થશે.

Leave a Comment

और पढ़ें