ચૂંટણીમાં કાળા નાણાંના ઉપયોગને લઈને સુપ્રીમકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા આંકડાઓ મુજબ ચૂંટણી દરમિયાન સૌથી વધુ FIR નોંધાયેલા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 35,144 FIR નોંધાઈ હતી, જ્યારે 2024માં આ આંકડો વધીને 52,820 થયો હતો.
2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાત બાદ મહારાષ્ટ્રમાં 29,545, પશ્ચિમ બંગાળમાં 27,461 અને ઉત્તર પ્રદેશમાં 23,645 FIR નોંધાઈ હતી. તેલંગાણામાં 23,087, રાજસ્થાનમાં 12,746 અને કર્ણાટકમાં 7,588 FIR નોંધાઈ હતી.
સુપ્રીમકોર્ટે જણાવ્યું કે ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ લોકશાહી માટે ખતરનાક છે, કારણ કે તેના મારફતે મતદારોને પ્રભાવિત અથવા લલચાવવાનો પ્રયાસ થઈ શકે છે. આવા કેસોમાં તપાસ અને કાર્યવાહી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાની જરૂરિયાત પણ કોર્ટ દ્વારા દર્શાવવામાં આવી છે.
2019ની લોકસભા ચૂંટણીમાં સમગ્ર દેશમાં 1,44,030 FIR નોંધાઈ હતી. તેમાંથી 37,215 કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે 44,387 કેસ સુનાવણીના તબક્કે પેન્ડિંગ હતા.
વિધાનસભા ચૂંટણીઓમાં 2019થી 2025 દરમિયાન કુલ 2,01,894 FIR નોંધાઈ હતી. તેમાં તેલંગાણાની 2023ની ચૂંટણીમાં 33,496 FIR સાથે સૌથી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે ગુજરાતની 2022ની વિધાનસભા ચૂંટણીમાં 30,253 FIR નોંધાઈ હતી.
સુપ્રીમકોર્ટે ચૂંટણીમાં નાણાંના ગેરઉપયોગ સામે કાર્યવાહી વધુ મજબૂત બનાવવા અને ચૂંટણી સંબંધિત ગુનાઓના કેસોનો ઝડપથી નિકાલ કરવા જરૂરી નિર્દેશો આપ્યા છે.








