અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતી પસંદગીની ચીજવસ્તુઓ પર 50% ટેરિફ લાદવાની જાહેરાતને હાલ ત્રણ દિવસ માટે સ્થગિત કરી છે. આ ટેરિફ બુધવારથી લાગુ થવાનો હતો, પરંતુ છેલ્લી ઘડીએ અમેરિકા અને કેનેડા વચ્ચે થયેલી વાતચીત બાદ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે.
ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર જણાવ્યું કે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ ગઈ છે, જોકે અંતિમ દસ્તાવેજો તૈયાર કરવાની પ્રક્રિયા હજુ બાકી છે. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ પણ વાટાઘાટોમાં પ્રગતિની પુષ્ટિ કરી છે. ટેરિફનો અમલ હવે 21 ઓગસ્ટના અંત સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.
આ પ્રસ્તાવિત 50% ટેરિફ આશરે 20 અબજ ડોલરના કેનેડિયન માલને અસર કરવાનો હતો. તેમાં કેટલાક દારૂ, ડેરી ઉત્પાદનો, હોકી સાધનો અને અન્ય વસ્તુઓનો સમાવેશ થવાનો હતો. આ નિર્ણયથી બંને દેશો વચ્ચેનો વેપાર વિવાદ વધુ ઉગ્ર બનીને ટ્રેડ વોરમાં ફેરવાઈ શકે તેવી આશંકા હતી.
ટ્રમ્પે કેનેડા પર અમેરિકન માલસામાન, ખાસ કરીને ડેરી, આલ્કોહોલ અને ઓટોમોબાઈલ ક્ષેત્રે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ માટે તેમણે 1930ના અમેરિકન ટેરિફ એક્ટની કલમ 338નો આધાર લીધો હતો.
ટ્રમ્પે વાટાઘાટોની સાથે Keystone XL ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટને ફરી શરૂ કરવાની સંભાવનાનો પણ સંકેત આપ્યો છે. જોકે હાલની સમજૂતી અંતિમ દસ્તાવેજો પર નિર્ભર છે, તેથી 50% ટેરિફનો ખતરો સંપૂર્ણપણે ટળી ગયો છે એવું માનવું વહેલું છે.








