રૂ.500ની 20 હજાર નકલી નોટો જપ્ત; 30 લાખમાં ખપાવવાની હતી
મુંબઈ: વસઈ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ-અમદાવાદ હાઈવે પર શંકાસ્પદ કાર રોકી મોટી કાર્યવાહી કરી હતી. કારની તલાશીમાં રૂ.500ના દરની આશરે 20 હજાર નકલી નોટો મળી આવી હતી.
જપ્ત કરાયેલી નકલી નોટોની કુલ કિંમત આશરે રૂ.1 કરોડ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ આ નોટોનો જથ્થો રૂ.30 લાખમાં બજારમાં ખપાવવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે.
પોલીસે એક શંકાસ્પદ આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. નકલી નોટો ક્યાં છપાઈ હતી અને મુંબઈમાં કોને પહોંચાડવાની હતી તે અંગે તપાસ ચાલી રહી છે.
આ રેકેટ પાછળના મુખ્ય સૂત્રધાર તથા ગુજરાત-મહારાષ્ટ્રમાં જોડાયેલા અન્ય શખ્સોને શોધવા ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે.








