બિહાર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી તારાજી
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ચોમાસું આફત બની રહ્યું છે. બિહાર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
બિહારમાં બે અલગ-અલગ ઘટનામાં વીજળી પડતાં 5 મહિલા સહિત 8 લોકોનાં મોત થયા છે. સીતામઢીમાં ખેતરમાં કામ કરી રહેલા 3 શ્રમિકો વીજળીની ઝપેટમાં આવ્યા હતા, જ્યારે બાંકામાં બનેલી ઘટનામાં 5 લોકોનાં મોત થયા.
કર્ણાટકના બેંગલુરુમાં અંડરપાસ નજીક બાંધકામ દરમિયાન માટી ધસી પડતાં એક શ્રમિકનું મોત થયું છે. અન્ય એક શ્રમિકની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભારે વરસાદને કારણે 56 રસ્તાઓ બંધ થયા છે અને 5 પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું છે.
મધ્ય પ્રદેશના મંદસૌરમાં ભારે વરસાદથી શિવના નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પાણીનું સ્તર વધતાં અટલ સાગર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રના ઠાણેમાં તળાવો ઓવરફ્લો થતાં અનેક રસ્તાઓ પર પાણી ભરાયું છે, જ્યારે તમિલનાડુના સાલેમ અને ધર્માપુરીમાં ગાજવીજ સાથે વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
ચોમાસાની સ્થિતિને જોતા અનેક રાજ્યોમાં વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી તેજ કરવામાં આવી છે.








