રાજકોટ પહોંચે તે પહેલાં જ દારૂ ભરેલી કાર ઝડપાઈ : રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ તરફ દારૂનો જથ્થો લઈ આવી રહેલી કારને રૂરલ એલસીબીની ટીમે ભાડલા નજીક ઝડપી પાડી હતી. કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની 684 બોટલ દારૂ મળી આવતાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે દારૂ મંગાવનાર બે શખ્સો પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયા હતા.

રૂરલ એલસીબી પીઆઈ જે.પી. રાવની રાહબરી હેઠળ પીએસઆઈ પી.એન. ભરવાડ સહિતની ટીમ જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બોટાદ તરફથી દારૂ ભરેલી કાર રાજકોટ તરફ આવવાની ચોક્કસ બાતમી મળતાં ભાડલાના દહીસરા ગામ નજીક વીરપુર ચોકડી પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

આ દરમિયાન કાર નંબર GJ-03-JL-0030ને રોકી તપાસ કરતાં તેમાં અલગ-અલગ બ્રાન્ડની 684 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે રૂ.1.52 લાખની કિંમતનો દારૂ, કાર અને બે મોબાઈલ સહિત કુલ રૂ.3.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કારચાલકની ઓળખ રવિ ભીખુ ગિડા, રહે. આજી વસાહત, ખોડીયારપરા, રાજકોટ તરીકે થઈ હતી. તેની પૂછપરછ કરતાં દારૂનો જથ્થો બોટાદના રતનપર ગામેથી રાજકોટ લઈ આવતો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ તપાસમાં રવિ સાથે રાજકોટના પ્રતિક ઉર્ફે મયુર બાબુ ગિડા અને પૃથ્વી વલકુ ધાંધલ પણ દારૂ લેવા ગયા હોવાનું બહાર આવ્યું હતું. બંને કાર આગળ પાયલોટિંગ કરી રહ્યા હતા, પરંતુ પોલીસની વોચમાં તેઓ પકડાયા વિના ફરાર થઈ ગયા હતા. બંનેને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

ખાખીજાળીયામાં ખેતીની આડમાં દારૂનું વેચાણ : 223 બોટલ સાથે ખેડૂત ઝડપાયો

ખાખીજાળીયા ગામની વાહવાડી સીમમાં ભાયાવદર પોલીસે દરોડો પાડી ખેતીકામની આડમાં વિદેશી દારૂનું વેચાણ કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની વાડીમાંથી દારૂની 223 બોટલ કબજે કરી હતી. દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ભાયાવદર પોલીસ સ્ટેશનના એએસઆઈ શક્તિસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ખાખીજાળીયા ગામની વાહવાડી સીમમાં મહાવીરસિંહ ચુડાસમા પોતાની વાડીએ વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં મહાવીરસિંહ ટપુભા ચુડાસમા મળી આવ્યો હતો. વાડીની ઓરડીમાં તપાસ કરતાં બે પ્લાસ્ટિકના બાચકામાંથી વિદેશી દારૂની કુલ 223 બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ.40 હજારનો મુદ્દામાલ કબજે કરી મહાવીરસિંહ ચુડાસમાની ધરપકડ કરી હતી. પૂછપરછમાં દારૂનો જથ્થો ઝાંઝમેર ગામના યોગીરાજસિંહ ચુડાસમા પાસેથી લાવતો હોવાનું સામે આવતાં પોલીસે યોગીરાજસિંહને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી છે.

Leave a Comment