2026 હોકી વર્લ્ડ કપ પહેલાં હોકી ઇન્ડિયાનો મોટો નિર્ણય; પરંપરાગત બ્લુ જર્સીના સ્થાને નવી ડિઝાઇન રજૂ
નવી દિલ્હી: આગામી 2026 હોકી વર્લ્ડ કપ પહેલાં હોકી ઇન્ડિયાએ ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમ માટે નવી ભગવા રંગની મુખ્ય જર્સી રજૂ કરતાં વિવાદ ઊભો થયો છે. વર્ષોથી ભારતીય હોકી ટીમની ઓળખ રહેલી બ્લુ જર્સીમાં કરાયેલા આ ફેરફાર સામે પૂર્વ ભારતીય કેપ્ટન અને ઓલિમ્પિયન વિરેન રસકીન્હાએ ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પ્રતિક્રિયા આપતાં રસકીન્હાએ આ નિર્ણયને “શરમજનક” ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે ભારતીય હોકી ટીમની ઓળખ હંમેશાં બ્લુ જર્સી સાથે જોડાયેલી રહી છે અને ખેલાડીઓ તેમજ ચાહકો માટે તે ગૌરવનું પ્રતીક છે. તેમણે નવી ભગવા જર્સી પાછળના કારણ અંગે પણ સવાલ ઉઠાવ્યો હતો.
બીજી તરફ, હોકી ઇન્ડિયાએ જણાવ્યું કે નવી જર્સીનો ભગવા રંગ સાહસ, બલિદાન અને વિજયનું પ્રતીક છે. આ ડિઝાઇન ભારતીય તિરંગા અને ઉગતા સૂર્યથી પ્રેરિત છે. જર્સીમાં મંડલા આર્ટ, તિરંગાની થીમ અને વાદળી રંગના તત્ત્વોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે 2026 હોકી વર્લ્ડ કપ 14થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાશે. હોકીના ઇતિહાસમાં પ્રથમ વખત પુરુષ અને મહિલા વર્લ્ડ કપનું આયોજન એકસાથે કરવામાં આવશે.
ટૂર્નામેન્ટમાં ભારતીય પુરુષ ટીમ વેલ્સ, ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન સામે ગ્રુપ તબક્કાની મેચો રમશે, જ્યારે ભારતીય મહિલા ટીમ ચીન, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.









