13 વર્ષની શાનદાર કારકિર્દીનો અંત; ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતનાર કેપ્ટને કરી નિવૃત્તિની જાહેરાત
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 38 વર્ષીય રહાણેએ સોશિયલ મીડિયા પર ભાવુક સંદેશ શેર કરીને જણાવ્યું કે હવે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહેવાનો યોગ્ય સમય આવી ગયો છે.
રહાણેએ વર્ષ 2013માં ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને પોતાની કારકિર્દી દરમિયાન 85 ટેસ્ટ, 90 વનડે અને 20 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જુલાઈ 2023માં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ બાદ તેઓ ભારતીય ટીમથી બહાર હતા.
રાષ્ટ્રીય ટીમમાં સ્થાન ન મળ્યા છતાં રહાણે ઘરેલું ક્રિકેટમાં સક્રિય રહ્યા હતા અને 2024-25ની રણજી સિઝનમાં મુંબઈ ટીમની કપ્તાની પણ સંભાળી હતી.
અજિંક્ય રહાણેની કારકિર્દીની સૌથી યાદગાર સિદ્ધિ તરીકે ઓસ્ટ્રેલિયામાં ભારતને મળેલી ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીત હંમેશા યાદ રહેશે, જ્યાં તેમણે મુશ્કેલ સંજોગોમાં ટીમનું સફળ નેતૃત્વ કર્યું હતું.
મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરતાં એક યુવા ક્રિકેટરથી ભારતીય ટીમના કેપ્ટન સુધીની તેમની સફર પ્રેરણાદાયક રહી છે. 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી બાદ રહાણેએ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટને વિદાય આપી પોતાના ક્રિકેટ જીવનના નવા અધ્યાય તરફ પગલું ભર્યું છે.








