નક્કી લેક સહિત પ્રવાસન સ્થળોએ ભારે ભીડ; ઠંડા વાતાવરણ અને ધુમ્મસથી હિલ સ્ટેશન બન્યું સ્વર્ગ સમાન
માઉન્ટ આબુ: ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના લોકપ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ભારે વરસાદ બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું છે. છેલ્લા 24 કલાકમાં આશરે ત્રણ ઇંચ વરસાદ વરસતાં સમગ્ર વિસ્તાર ઠંડકથી છલકાઈ ગયો છે અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે.
વરસાદ બાદ નક્કી લેક, ટોડ રોક, હનીમૂન પોઇન્ટ અને સનસેટ પોઇન્ટ સહિતના તમામ મુખ્ય પ્રવાસન સ્થળોએ ભારે ભીડ જોવા મળી રહી છે. વરસાદી માહોલ વચ્ચે નક્કી લેકમાં બોટિંગનો આનંદ માણવા પણ પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કાળા વાદળો, ઠંડા પવનો અને ગાઢ ધુમ્મસે સમગ્ર માઉન્ટ આબુને મનમોહક બનાવી દીધું છે. અનેક વિસ્તારોમાં દૃશ્યતા ઘટી જતાં પર્વતો વચ્ચે વાદળો ઉતરી આવ્યા હોય તેવો અદભૂત નજારો સર્જાયો હતો.
વરસાદી માહોલને કારણે સ્થાનિક હોટલ, રેસ્ટોરન્ટ અને બજારોમાં પણ ચહલપહલ વધી છે. પ્રવાસન ઉદ્યોગને નવી ગતિ મળતાં સ્થાનિક વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.









