લાહૌલ-સ્પીતિમાં વાદળ ફાટતાં હાહાકાર પૂર-ભૂસ્ખલનથી 3નાં મોત, 50થી વધુ લોકો ફસાયા; 400 મીટર રસ્તો ધોવાયો

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં કુદરતી આફતે ભારે તારાજી સર્જી છે. મપાડ ઘાટીમાં વાદળ ફાટતાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના પગલે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે.

વાદળ ફાટવાની ઘટનાથી ખેતરોમાં કામ કરતા લોકો તેમજ ધાર્મિક સ્થળોએ ગયેલા દર્શનાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. પૂરનાં પાણીના ભારે પ્રવાહમાં અનેક રસ્તાઓ અને પૂલ ધોવાઈ ગયા હતા. આશરે 400 મીટર લાંબો માર્ગ પાણીમાં તણાઈ ગયો છે.

ભારે વરસાદના કારણે 10 જેટલા નાના-મોટા લાકડાના પૂલ ધરાશાયી થયા છે. મહત્વનો કરપટ પૂલ પણ પાણીમાં ડૂબી જતાં વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો હતો. રસ્તાઓ અને પૂલને ભારે નુકસાન થતાં અનેક વિસ્તારોનો સંપર્ક પણ મુશ્કેલ બન્યો છે.

મોડી સાંજે કુદરતી આફત સર્જાતા રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી ઊભી થઈ હતી. ખેતરોમાં ફસાયેલા કેટલાક લોકોએ જંગલ વિસ્તારમાં ઉભા કરાયેલા ટેન્ટમાં રાત પસાર કરવી પડી હતી. બીજી તરફ 50થી વધુ દર્શનાર્થીઓને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.

પૂર અને વરસાદના કારણે ખેતીને પણ મોટાપાયે નુકસાન થયું છે. સમગ્ર વિસ્તારમાં થયેલી તારાજીનું તંત્ર દ્વારા આકલન કરવામાં આવી રહ્યું છે અને અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.

Leave a Comment

और पढ़ें