NEET-UG પેપર લીક કેસમાં કેન્દ્રનો દાવો : NTAની પરીક્ષા વ્યવસ્થા સંપૂર્ણ સુરક્ષિત
NEET-UG પેપર લીક અને પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિ અંગેની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠ સમક્ષ કેન્દ્ર સરકારે NTAની પરીક્ષા વ્યવસ્થાને સુરક્ષિત અને ‘ફૂલપ્રૂફ’ ગણાવી હતી.
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા સુધીની સુરક્ષા વ્યવસ્થા અંગે કોર્ટને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં અનેક મોડરેટર્સ હોય છે અને પરીક્ષાના અંતિમ સમય સુધી કયો સેટ ઉપયોગમાં લેવાશે તેની જાણકારી કોઈને હોતી નથી.
પ્રશ્નપત્ર લઈ જતાં વાહનોમાં GPS ટ્રેકિંગ કરવામાં આવે છે. પેપરને ડિજિટલ લોક અને વિશેષ સીલબંધ બોક્સ દ્વારા સુરક્ષિત રાખવામાં આવે છે. પ્રશ્નપત્રો બે અલગ-અલગ બેંકોના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને પરીક્ષાના દિવસે સવારે જ કયો સેટ ઉપયોગમાં લેવાશે તેનો નિર્ણય થાય છે. વિદ્યાર્થીઓની હાજરીમાં જ બોક્સનું સીલ ખોલવામાં આવે છે.
કેન્દ્રની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાધાકૃષ્ણન સમિતિ આ સમગ્ર પ્રક્રિયાના વિવિધ પાસાઓની પહેલેથી સમીક્ષા કરી ચૂકી છે. કોર્ટે આ મુદ્દાને માત્ર એકલદોકલ ઘટના નહીં પરંતુ સિસ્ટમેટિક સમસ્યા ગણાવી અને કાયમી ટેક્નિકલ ઉકેલની જરૂરિયાત દર્શાવી.
કોર્ટે UPSCનું ઉદાહરણ આપતાં કહ્યું કે ત્યાં પરીક્ષાઓ પારદર્શી રીતે યોજાય છે અને NTAએ UPSC પાસેથી શીખવું જોઈએ. બદલાતી ટેક્નોલોજીને સમજી શકે તેવા નિષ્ણાત અધિકારીઓની નિમણૂક કરવાની જરૂરિયાત પર પણ કોર્ટે ભાર મૂક્યો.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને NTAને નવું સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે. રાધાકૃષ્ણન અને નંદન નીલેકણી સમિતિની ભલામણોના અમલ માટે અત્યાર સુધી લેવાયેલા પગલાંની માહિતી પણ માંગવામાં આવી છે.
સાથે જ ભવિષ્યમાં NEET પરીક્ષા ઓનલાઈન CBT મોડમાં અથવા JEEની જેમ બે તબક્કામાં—મેન્સ અને એડવાન્સ્ડ— યોજવા અંગે સરકારની શું યોજના છે, તે અંગે પણ કોર્ટને માહિતી આપવા જણાવાયું છે.








