નવી દિલ્હી : આગામી દાયકામાં ફોર્ચ્યુન ગ્લોબલ-500ની યાદીમાં ભારતની 50 કંપનીઓને સ્થાન અપાવવાનો લક્ષ્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ઉદ્યોગજગત સમક્ષ મૂક્યો છે. જોકે, વર્તમાન આંકડા જોતા આ લક્ષ્યાંક હાંસલ કરવો ભારતીય કંપનીઓ માટે મોટો પડકાર બની શકે છે.
હાલ ફોર્ચ્યુન ગ્લોબલ-500ની યાદીમાં ભારતની માત્ર 10 કંપનીઓ સામેલ છે. ટોચની 100 કંપનીઓમાં માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એલઆઈસીએ સ્થાન મેળવ્યું છે. રિલાયન્સ 85મા અને એલઆઈસી 92મા ક્રમે છે. કંપનીઓની સંખ્યાની દૃષ્ટિએ અમેરિકા 141 કંપનીઓ સાથે પ્રથમ, ચીન 116 કંપનીઓ સાથે બીજા અને ભારત 10 કંપનીઓ સાથે 10મા ક્રમે છે.
ફોર્ચ્યુન-500માં પ્રવેશ મેળવવા માટે કંપનીને વાર્ષિક ઓછામાં ઓછું 33.2 અબજ ડોલરનું રેવેન્યુ મેળવવું જરૂરી છે. વૈશ્વિક સ્તરે અમેઝોન 717 અબજ ડોલરની આવક સાથે પ્રથમ, વોલમાર્ટ 713 અબજ ડોલર સાથે બીજા અને સ્ટેટ ગ્રીડ કોર્પોરેશન ઓફ ચાઇના 555 અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે છે.
ભારતીય કંપનીઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લગભગ 120 અબજ ડોલરની આવક સાથે ટોચની ભારતીય કંપની છે, જ્યારે એલઆઈસી પણ 110 અબજ ડોલરની આવક સાથે ટોચના 100માં છે. આ સિવાય ઇન્ડિયન ઓઈલ, રાજેશ એક્સપોર્ટ્સ, એસબીઆઈ, ઓએનજીસી, એચડીએફસી બેંક, ભારત પેટ્રોલિયમ, ટાટા મોટર્સ અને આઈસીઆઈસીઆઈ બેંક પણ ફોર્ચ્યુન-500માં સામેલ છે.
આગામી દસ વર્ષમાં 50 ભારતીય કંપનીઓને આ યાદીમાં સ્થાન અપાવવું હોય તો કંપનીઓએ વૈશ્વિક બજારમાં વિસ્તરણ, આવકમાં ઝડપી વૃદ્ધિ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાત્મકતા પર વિશેષ ધ્યાન આપવું પડશે. હાલના 10થી 50 કંપનીઓ સુધી પહોંચવાનો માર્ગ ભારત માટે લાંબો અને પડકારજનક છે.








