જિનપિંગના આગમન સાથે જ ‘હવા’ બદલાઈ : ભારત-ચીન વચ્ચે સીધી હવાઈ સેવા ફરી શરૂ
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભારત આગમન સાથે એક તરફ BRICS શિખર સંમેલનનું વૈશ્વિક મહત્વ વધ્યું છે, તો બીજી તરફ લાંબા સમયથી તણાવપૂર્ણ રહેલા ભારત-ચીન સંબંધોમાં પણ નવા અને સકારાત્મક વળાંકના સંકેતો મળ્યા છે. જિનપિંગ આજે બપોરે 12.55 કલાકે દિલ્હી પહોંચ્યા હતા. તેમના આગમનને પગલે પાટનગરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી હતી.
જિનપિંગ સાથે આશરે 400 સભ્યોનું વિશાળ પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે. તેમાં ચીનના મહત્વના મંત્રીઓ ઉપરાંત અગ્રણી ચીની કંપનીઓના CEOનો પણ સમાવેશ થાય છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય મંત્રણા યોજાવાની છે, જેમાં બંને દેશોના સંબંધો ઉપરાંત વેપાર, આર્થિક સહયોગ અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
જિનપિંગના આગમન પહેલાં જ બંને દેશો વચ્ચે સંબંધોમાં સુધારાના સંકેતો જોવા મળ્યા છે. લાંબા સમયથી સ્થગિત રહેલી ભારત-ચીન વચ્ચેની સીધી હવાઈ સેવા ફરી શરૂ થઈ છે. ચીનની એક એરલાઈને 21 સપ્ટેમ્બરથી ગુઆંગઝુ-દિલ્હી વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. તબક્કાવાર ભારત અને ચીનના અન્ય શહેરો વચ્ચે પણ સીધી હવાઈ કનેક્ટિવિટી વધારવાની યોજના છે.
આ તરફ ભારતની એરલાઈન ઇન્ડિગોએ પણ કોલકાતા-ગુઆંગઝુ વચ્ચેની સીધી હવાઈ સેવા શરૂ કરી છે. હવાઈ સેવા પુનઃ શરૂ થવી બંને દેશો વચ્ચેના લોકોના સંપર્ક, વેપાર અને પ્રવાસન માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
જિનપિંગના ભારત આગમન પહેલાં ચીનના ભારતમાં રાજદૂત શુ ફેઈહોંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે ભારત અને ચીન વચ્ચે મતભેદો હોવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે મતભેદોના કારણે બંને દેશો વચ્ચેની વાતચીત બંધ થવી જોઈએ નહીં.
જિનપિંગના લાંબા સમય બાદ ભારત આગમનને કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી શરૂઆતની આશા ઊભી થઈ છે. BRICSના મંચ પર બંને દેશોના નેતાઓની મુલાકાત અને દ્વિપક્ષીય મંત્રણા તણાવ ઘટાડવા તથા પરસ્પર સહયોગ વધારવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.









