બેંક થાપણોમાં રેકોર્ડબ્રેક વધારો

ઓગસ્ટમાં ડિપોઝિટ વૃદ્ધિ 17.8% : દાયકામાં સૌથી ઝડપી વધારો

મધ્ય પૂર્વમાં અમેરિકા-ઈરાન યુદ્ધ સહિતના વૈશ્વિક ઘટનાક્રમોથી શેરબજાર અને નાણાં બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતમાં બેંક થાપણોમાં દાયકાનો સૌથી મોટો વધારો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં બેંક ડિપોઝિટમાં 17.8 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ છે. બીજી તરફ બેંકોની ધિરાણ વૃદ્ધિમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.

જાણકારોના મતે ભારતીયોની બચતને બેંકો તરફ આકર્ષિત કરવી હજુ પણ પડકારરૂપ છે. જોકે, રિઝર્વ બેંક દ્વારા વિદેશી ચલણમાં નોન-રેસિડેન્ટ ડિપોઝિટને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલી જોગવાઈઓને કારણે ઓગસ્ટમાં બેંક થાપણોમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગત ઓગસ્ટમાં બેંકોની ધિરાણ વૃદ્ધિ 19.4 ટકા હતી, જે આ વર્ષે ઘટીને 19.1 ટકા થઈ છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના માહોલ વચ્ચે દેશમાં ડોલરનો પ્રવાહ વધારવા માટે રિઝર્વ બેંકે બિનનિવાસી ભારતીયો માટે વિદેશી ચલણ નોન-રેસિડેન્ટ ડિપોઝિટ સંબંધિત યોજના જાહેર કરી હતી. આ યોજના હેઠળ મોટા પ્રમાણમાં નાણાં ભારતીય બેંકિંગ વ્યવસ્થામાં આવ્યા હતા, જેના કારણે ડિપોઝિટ વૃદ્ધિમાં જોરદાર વધારો થયો.

રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, વિદેશી ચલણ નોન-રેસિડેન્ટ ડિપોઝિટ હેઠળ આવેલી રકમમાંથી 48.5 ટકા પાંચ વર્ષ માટે, જ્યારે આશરે 42 ટકા ત્રણ વર્ષ માટે આવી છે. બાકીની રકમ ચાર વર્ષના સમયગાળા માટે આવી છે.

31 ઓગસ્ટે પૂરા થયેલા પખવાડિયામાં બેંક ડિપોઝિટમાં રૂ.9.4 લાખ કરોડનો નેટ વધારો નોંધાયો હતો. આ સાથે બેંકોમાં કુલ બાકી થાપણો વધીને રૂ.278.7 લાખ કરોડ થયા છે.

રિઝર્વ બેંકની આ યોજના પહેલાં બેંકો સામે થાપણો મેળવવાનો મોટો પડકાર હતો. ભારતીય રોકાણકારો વધુ વળતરની આશાએ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ જેવા વિકલ્પોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા હતા. પરિણામે બેંકો માટે થાપણ વૃદ્ધિ જાળવી રાખવી મુશ્કેલ બની રહી હતી.

ઓગસ્ટના અંતે બેંકોનું કુલ બાકી ધિરાણ રૂ.223.9 લાખ કરોડ રહ્યું હતું. જ્યારે ધિરાણ-થાપણનો રેશિયો 80.32 ટકા રહ્યો છે. લગભગ તમામ ક્ષેત્રોમાં ધિરાણ વૃદ્ધિમાં ઘટાડો નોંધાયો હોવાનું પણ સામે આવ્યું છે.

Leave a Comment

और पढ़ें