ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે ગણતરીની મિનિટોમાં તસ્કરનો હાથફેરો : સમગ્ર ઘટના CCTVમાં કેદ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
હળવદમાં તસ્કરોએ રાજકોટના વેપારીની કારને નિશાન બનાવી કારનો કાચ તોડી રૂ.1.10 લાખ રોકડ ભરેલા પર્સની ચોરી કરી હતી. ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે બનેલી આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. ચોરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટના રહેવાસી ભરતસિંહ ચૌહાણ જંતુનાશક દવાના વેપાર સાથે સંકળાયેલા છે. તેઓ દવાના ઓર્ડર લેવા માટે અવારનવાર હળવદ આવતા હોય છે. ગુરુવારે સવારે આશરે 11:30 વાગ્યે તેઓ હળવદ આવ્યા હતા અને દવાના વેપારીઓ પાસેથી ઓર્ડર લેવા માટે નીકળ્યા હતા.
આ દરમિયાન તેમણે પોતાની કાર ડો. બાબાસાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરી હતી અને નજીકની દુકાનમાં ગયા હતા. વેપારી દુકાનમાં બેઠા હતા તે દરમિયાન તસ્કરે તકનો લાભ લઈ ગણતરીની મિનિટોમાં કારની ડ્રાઇવર સાઇડનો કાચ તોડી નાખ્યો હતો.
કાચ તોડ્યા બાદ તસ્કરે કારની સીટની નીચેના ભાગમાં રાખેલું રોકડ રકમ ભરેલું પર્સ ચોરી લીધું હતું. વેપારી ભરતસિંહ ચૌહાણના જણાવ્યા મુજબ, પર્સમાં રૂ.1.10 લાખ રોકડા હતા.
ચોરીની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVમાં તસ્કર કારનો કાચ તોડી પર્સ લઈ જતો હોવાનું જોવા મળે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.
ઘટનાની જાણ થતાં વેપારીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે બનાવ અંગે તપાસ શરૂ કરી તસ્કરની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. વેપારીની ફરિયાદ લેવાની તજવીજ પણ પોલીસે શરૂ કરી છે.








