દિલ્હીમાં કિલ્લેબંધી : વૈશ્વિક ડિપ્લોમસીનું વાતાવરણ BRICS Summit : 50 ઐતિહાસિક સમજૂતીઓનો સંકેત

વિશ્વના અગ્રણી દેશોના સંગઠન BRICSની શિખર બેઠક માટે દિલ્હીમાં વૈશ્વિક નેતાઓનો જમાવડો થયો છે. ભારત, ચીન અને રશિયા સહિતના સભ્ય દેશોના નેતાઓની હાજરીમાં આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતને કાયમી સભ્યપદ સહિત આશરે 50 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા અને સંમતિ બનવાના સંકેત છે.

દિલ્હીના ભારત મંડપમ ખાતે આજે બપોર બાદ BRICSની પ્રથમ ઔપચારિક બેઠક યોજાશે, જ્યારે આવતીકાલે ઓપન સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન સહિત અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો દિલ્હી પહોંચી ચૂક્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આજે દિલ્હીમાં પહોંચશે.

હાલ વિવિધ દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા ચાલી રહી છે. ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ બેઠકમાં આતંકવાદ સામે આકરી કાર્યવાહી, વૈશ્વિક વેપારમાં સરળતા, ટેકનોલોજી, માનવ સંસાધન અને પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

BRICS વિશ્વની મોટી વસ્તી અને વૈશ્વિક અર્થતંત્રમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતું સંગઠન હોવાથી બેઠકના નિર્ણયોનું આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વ છે. ભારત સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિમાં કાયમી સભ્યપદ માટે પોતાનો દાવો વધુ મજબૂત રીતે રજૂ કરશે તેવી શક્યતા છે.

જોકે, અમેરિકા-ઈરાન અને રશિયા-યુક્રેન જેવા ચાલી રહેલા સંઘર્ષોને લઈને BRICS તરફથી કોઈ સંયુક્ત ઘોષણાપત્ર બહાર પડે તેવી શક્યતા હાલ ઓછી છે. અગાઉ વિદેશમંત્રી સ્તરની બેઠકમાં પણ આ મુદ્દે સર્વસંમતિ બની શકી નહોતી.

ભારતે BRICSના વિવિધ મુદ્દાઓ પર સભ્ય દેશો વચ્ચે સમાન મત ઉભો કરવા માટે અગાઉ અનેક બેઠકો યોજી હતી. ભારતનો મુખ્ય પ્રયાસ BRICSને ગ્લોબલ સાઉથના મજબૂત અવાજ તરીકે સ્થાપિત કરવાનો છે. ચીનના રાષ્ટ્રપતિના આગમન બાદ ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાવાની શક્યતા છે.

ચીન અને રશિયાના રાષ્ટ્રાધ્યક્ષો પણ બેઠકની સમાંતર અલગથી મુલાકાત કરી શકે છે. આજે સાંજે તમામ મહેમાન રાષ્ટ્રાધ્યક્ષોના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સવારે ઓપન સેશન શરૂ થશે અને સાંજે BRICS શિખર સંમેલનનું સમાપન થશે.

કયા ક્ષેત્રોમાં સહયોગની શક્યતા?

  • આતંકવાદ સામે સામૂહિક લડત
  • ટેકનોલોજી અને જ્ઞાન ક્ષેત્રે સહયોગ
  • સભ્ય દેશોના નાગરિકો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ
  • વૈશ્વિક વેપારના વિઘ્નો દૂર કરવા પ્રયાસ
  • આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જોખમો સામે સંયુક્ત પગલાં
  • વૈશ્વિક સંસ્થાઓને વધુ અસરકારક અને મજબૂત બનાવવી
  • પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા પર ભાર

Leave a Comment

और पढ़ें