ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઝારખંડમાં કાર્યવાહી; મહત્વના દસ્તાવેજો જપ્ત, લોનમાં ગેરરીતિની તપાસ તેજ
નવી દિલ્હી: ₹1,109 કરોડના બેંક લોન કૌભાંડની તપાસમાં કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI)એ ગુપ્તા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સામે મોટું પગલું ભર્યું છે. ભુવનેશ્વરની વિશેષ CBI અદાલતના સર્ચ વોરંટના આધારે કંપની સાથે સંકળાયેલા ચાર રાજ્યોના અનેક સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા.
CBIએ ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને ઝારખંડમાં કંપનીના વિવિધ પરિસરોમાં સઘન તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને તપાસને ઉપયોગી પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, કંપનીએ બેંકો પાસેથી વધુ લોન મેળવવા માટે નાણાકીય હિસાબો, સ્ટોકનું મૂલ્યાંકન અને અન્ય દસ્તાવેજોમાં ગેરરીતિ કરીને ખોટી માહિતી રજૂ કરી હતી. આ આધારે કંપનીએ લોન મર્યાદા વધારાવી અને બાદમાં લોનની રકમનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે.
CBIની તપાસમાં સામે આવ્યું છે કે ગુપ્તા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે વિવિધ બેંકોના કન્સોર્ટિયમ પાસેથી અંદાજે ₹2,900 કરોડની લોન મેળવી હતી. જેમાં પંજાબ નેશનલ બેંકના ₹270 કરોડ અને બેંક ઓફ ઇન્ડિયાના ₹223 કરોડ સહિતની મોટી રકમ બાકી હોવાનો પણ આરોપ છે.
આ સમગ્ર મામલે CBI દ્વારા નાણાકીય વ્યવહારો, દસ્તાવેજી પુરાવા અને લોનના ઉપયોગની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








