29.24 ગ્રામ મેફેડ્રોન પાવડર સહિત ₹1.09 લાખનો મુદ્દામાલ જપ્ત; NDPS હેઠળ ગુનો નોંધાયો
મોરબી: જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે મોરબી SOGને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. નવલખી રોડ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસે 29.24 ગ્રામ MD (મેફેડ્રોન) ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹1.09 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે નવલખી રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતાં તેની પાસેથી મેફેડ્રોન પાવડર મળી આવતા પોલીસે તેને સ્થળ પરથી જ ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપીની ઓળખ મયુરભાઈ ગોગરાણી તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી જપ્ત કરાયેલા ડ્રગ્સ કબજે કરીને તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાથમિક પૂછપરછના આધારે આરોપીને આ ડ્રગ્સ ક્યાંથી મળ્યું હતું, કોને પહોંચાડવાનું હતું અને તેની પાછળ કાર્યરત ડ્રગ્સ સપ્લાય નેટવર્ક સુધી પહોંચવા માટે SOG દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
મોરબી જિલ્લામાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને આ કેસમાં પણ વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.








