નવી દિલ્હી: અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને તેમના સગાંઓ સાથે જોડાયેલી કંપનીઓને જાહેર બાંધકામ વિભાગ (PWD)ના કોન્ટ્રાક્ટ ફાળવણીમાં થયેલા કથિત પક્ષપાત અને ભ્રષ્ટાચારની તપાસ મામલે CBI સુપ્રીમ કોર્ટ પહોંચી છે. તપાસ એજન્સીએ રાજ્ય સરકાર પર જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે.
CBIએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં જણાવ્યું છે કે 2015થી 2025 દરમિયાન થયેલા કોન્ટ્રાક્ટ ફાળવણી સંબંધિત તપાસમાં રાજ્ય સરકાર તરફથી પૂરતો સહયોગ મળતો નથી.
જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે રાજ્ય સરકારના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે યાદ અપાવ્યું કે અગાઉ એપ્રિલમાં રાજ્ય સરકારને તપાસ માટે નોડલ અધિકારી નિયુક્ત કરીને CBIને સંપૂર્ણ સહકાર આપવા આદેશ આપવામાં આવ્યો હતો.
આદેશનું પાલન ન થતાં સુપ્રીમ કોર્ટે અરૂણાચલ પ્રદેશના ચીફ સેક્રેટરી અને હોમ સેક્રેટરીને કારણદર્શક નોટિસ ફટકારી છે. બંને અધિકારીઓને 24 ઓગસ્ટે વ્યક્તિગત રીતે હાજર રહી તપાસમાં સહકાર કેમ આપવામાં આવ્યો નથી અને કોર્ટના નિર્દેશોનું પાલન કેમ થયું નથી તેની સ્પષ્ટતા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ કેસની આગામી સુનાવણી 24 ઓગસ્ટે હાથ ધરવામાં આવશે.








