SOGના દરોડામાં હિતેશ કિહકા ઝડપાયો : રૂ.15,612ની એલોપેથી દવાઓ સહિતનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના છત્રીયાળા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરને સુરેન્દ્રનગર SOG પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા ચાર વર્ષથી પોતાના ઘરમાં જ દવાખાનું ચલાવી લોકોની સારવાર કરતો હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ, હિતેશ કિહકા નામનો યુવક મેડિકલ ક્ષેત્રની કોઈ માન્ય ડિગ્રી કે લાયકાત ધરાવતો ન હોવા છતાં ઘરમાં જ દવાખાનું ચલાવતો હતો. અહીં તે દર્દીઓની સારવાર કરી એલોપેથી દવાઓ આપતો હોવાનું સામે આવતા SOG પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસે હિતેશ કિહકાને ઝડપી લીધો હતો. સ્થળ પરથી રૂ.15,612ની કિંમતની એલોપેથી દવાઓ સહિતનો મુદ્દામાલ મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યો હતો.
છેલ્લા ચાર વર્ષથી કોઈ માન્ય તબીબી ડિગ્રી વિના લોકોની સારવાર કરવાના આક્ષેપસર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. SOG પોલીસે કાર્યવાહી કર્યા બાદ સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી માટે કેસ સ્થાનિક પોલીસને સોંપ્યો છે. બોગસ ડોક્ટર ઝડપાતા ગામમાં પણ ચકચાર મચી ગઈ છે.








