ગ્રાહક બની બેંકમાં ઘૂસ્યો, કેશ કાઉન્ટર પરથી રોકડ લઈ ફરાર : પોલીસે અડધા કલાકમાં ઝડપી લીધો
મુંબઈ: મહારાષ્ટ્રના નાગપુરના સખરદરા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં દિવસના સમયે ફિલ્મી ઢબે લૂંટની ઘટના બનતાં ચકચાર મચી ગઈ હતી. ગ્રાહક બનીને બેંકમાં પ્રવેશેલા એક શખ્સે અચાનક કર્મચારીઓની આંખમાં મરચાનો પાવડર નાખી કેશ કાઉન્ટરમાંથી રૂ.4 લાખ રોકડા લૂંટી લીધા હતા. જોકે, ઘટનાના થોડા જ સમયમાં પોલીસે આરોપીને ઝડપી લઈ સમગ્ર રકમ જપ્ત કરી લીધી હતી.
મળતી માહિતી મુજબ, SBIની શાખા રાબેતા મુજબ કાર્યરત હતી અને કર્મચારીઓ પોતાના કામમાં વ્યસ્ત હતા. તે દરમિયાન આરોપી સામાન્ય ગ્રાહકના વેશમાં બેંકમાં પ્રવેશ્યો હતો. કેશ કાઉન્ટર પાસે પહોંચ્યા બાદ તેણે અચાનક પોતાની પાસે છુપાવેલો મરચાનો પાવડર કર્મચારીઓની આંખોમાં ફેંકી દીધો હતો.
અચાનક થયેલા હુમલાથી કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. આંખોમાં મરચું પડતાં કર્મચારીઓ કંઈ જોઈ શકતા ન હોવાથી આરોપીએ પરિસ્થિતિનો લાભ લીધો હતો અને કેશ કાઉન્ટરમાંથી રૂ.4 લાખ રોકડા લઈને બેંકમાંથી ભાગી ગયો હતો. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લૂંટની જાણ થતાં બેંક અધિકારીઓએ પોલીસને જાણ કરી હતી. સખરદરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી આરોપીને માત્ર અડધા કલાકમાં ઝડપી લીધો હતો. તેની પાસેથી લૂંટેલી રૂ.4 લાખની સમગ્ર રકમ પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ બાદ લૂંટ પાછળનું કારણ અને ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.








