નેપાળ પૂર બાદ 30 ગુજરાતી હજુ સંપર્કવિહોણા

29 પરિવારજનોના DNA સેમ્પલ લેવાયા, મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ માટે પ્રોફાઇલિંગની કામગીરી શરૂ

ગાંધીનગરઃ નેપાળમાં આવેલા વિનાશક પૂર બાદ ગુમ થયેલા ગુજરાતીઓની શોધ અને ઓળખ માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી DNA સેમ્પલ એકત્ર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. હાલની માહિતી મુજબ નેપાળમાં પૂર બાદ ગુજરાતના 30 લોકો હજુ સંપર્કવિહોણા છે. તેમાંથી 29 લોકોના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે એક કેસમાં સેમ્પલ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે.

પૂર બાદ મળતા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ કરવા માટે પરિવારજનો પાસેથી મેળવાયેલા DNA સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે. ઓળખ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ગુજરાત સરકાર ભારત સરકાર તેમજ નેપાળમાં કાર્યરત કોન્સ્યુલર સત્તાવાળાઓ સાથે સતત સંકલન કરી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલા ગુજરાતીઓ અને વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓના પરિવારજનોને જરૂરી સહાય અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. સામાન્ય વહીવટ વિભાગના NRI ડિવિઝન હેઠળ કાર્યરત ગુજરાત સ્ટેટ નોન-રેસિડન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન (NRGF) સમગ્ર DNA સેમ્પલ પ્રક્રિયાનું સંકલન કરી રહ્યું છે.

ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર ગુમ થયેલા વ્યક્તિના નજીકના પ્રથમ-સ્તરના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. દેશભરમાં નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરીઓમાં આ સેમ્પલનું પ્રોફાઇલિંગ કરવામાં આવે છે અને આ સેવા નિઃશુલ્ક રાખવામાં આવી છે.

ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટ ખાતે આવેલી છ નિયુક્ત લેબોરેટરીઓ દ્વારા DNA પ્રોફાઇલિંગની કામગીરી ચાલી રહી છે. NFSU ગાંધીનગર દ્વારા વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને ભારતમાં લેવાયેલા DNA સેમ્પલ અને નેપાળમાં ચાલી રહેલી ઓળખ પ્રક્રિયા વચ્ચે જરૂરી સમન્વય કરવામાં આવી રહ્યો છે.

વિદેશમાં રહેતા પરિવારજનોના DNA સેમ્પલ સંબંધિત દેશોના સ્થાનિક સત્તાવાળાઓના સહયોગથી લેવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ, અમેરિકા, કેનેડા તથા આફ્રિકન દેશોમાં રહેતા પરિવારજનોના કેસમાં NRGF સેમ્પલ અને ઓળખ પ્રક્રિયાની પ્રગતિ અંગે સતત માહિતી મેળવી રહ્યું છે.

DNA પ્રોફાઇલિંગના અહેવાલો સંબંધિત લેબોરેટરીઓ દ્વારા નેપાળ સરકારના સત્તાવાર સંપર્ક માધ્યમો મારફતે મોકલવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર ગુમ થયેલા અને સંપર્કવિહોણા ગુજરાતીઓ અંગેની માહિતી મેળવવા માટે કેન્દ્ર અને નેપાળના સંબંધિત સત્તાવાળાઓ સાથે સતત કામગીરી કરી રહી છે.

Leave a Comment

और पढ़ें