મ્યુચ્યુઅલ ફંડમાં સતત 66મા મહિને નાણાંનો પ્રવાહ યથાવત

ઓગસ્ટમાં ઈક્વિટી ફંડમાં રૂ.29,329 કરોડનું રોકાણ : SIP રોકાણ રૂ.32,297 કરોડના નવા રેકોર્ડ પર

શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સતત ઘટાડાને કારણે સીધી શેર ખરીદીમાં રોકાણકારો સાવચેતી દાખવી રહ્યા છે. જોકે, મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણનો પ્રવાહ સતત મજબૂત રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ.29,329 કરોડનું નવું રોકાણ થયું હતું, જે જુલાઈની સરખામણીએ 19 ટકા વધુ છે. બીજી તરફ, SIP મારફતનું રોકાણ રૂ.32,297 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં રોકાણકારોએ સતત 66મા મહિને નેટ પોઝિટિવ ઈન્ફ્લો જાળવી રાખ્યો છે. જોકે, ફિક્સ્ડ ઈન્કમ કેટેગરીના મ્યુચ્યુઅલ ફંડમાંથી ઓગસ્ટમાં રૂ.8,711 કરોડની નેટ રકમ પાછી ખેંચવામાં આવી હતી. જુલાઈમાં મ્યુચ્યુઅલ ફંડમાં કુલ રૂ.1.87 લાખ કરોડનો પ્રવાહ નોંધાયો હતો.

ઓગસ્ટ દરમિયાન 66.4 લાખ નવા SIP ખાતાં ઉમેરાયા હતા, જ્યારે 54 લાખ ખાતાં બંધ થયા હતા. પરિણામે ખાતાં બંધ થવાનો રેશિયો જુલાઈના 81.9 ટકાથી ઘટીને 81.1 ટકા થયો છે.

મિડકેપ-સ્મોલકેપ તરફ રોકાણકારોનો ઝોક

મ્યુચ્યુઅલ ફંડની કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ઓગસ્ટમાં વધીને રૂ.87.07 લાખ કરોડ થઈ હતી, જે જુલાઈના રૂ.85.75 લાખ કરોડની સરખામણીએ 1.5 ટકા વધારે છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં મિડકેપ અને સ્મોલકેપ ફંડે રોકાણકારોને સૌથી વધુ આકર્ષ્યા હતા. ઓગસ્ટમાં આ કેટેગરીમાં રૂ.14,962 કરોડનું રોકાણ થયું હતું, જ્યારે જુલાઈમાં રૂ.13,960 કરોડ હતું. ફ્લેક્સીકૅપ ફંડમાં પણ રૂ.5,059 કરોડનું રોકાણ થયું હતું, જે જુલાઈના રૂ.4,709 કરોડ કરતાં વધુ છે.

મલ્ટીકૅપ ફંડમાં રોકાણ પણ વધ્યું હતું. જુલાઈના રૂ.3,227 કરોડની સરખામણીએ ઓગસ્ટમાં રૂ.3,732 કરોડનું રોકાણ થયું હતું. બીજી તરફ, લાર્જકૅપ ફંડમાંથી રૂ.1,147 કરોડની રકમ પાછી ખેંચાઈ હતી. લાર્જકૅપ શેરોમાં અપેક્ષા મુજબનું વળતર ન મળતાં રોકાણકારોનો ઝોક અન્ય કેટેગરી તરફ વધ્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.

Leave a Comment

और पढ़ें