અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને હજુ અંદાજે દોઢ વર્ષનો સમય બાકી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણીલક્ષી તૈયારીઓને વેગ આપ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ ખાતે રાજ્યના ટોચના નેતાઓ સાથે લાંબી બેઠક યોજી આગામી રાજકીય વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, સંગઠન મહામંત્રી રત્નાકર તેમજ પક્ષના મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સરકાર અને સંગઠન વચ્ચે વધુ અસરકારક સંકલન તેમજ જનસંપર્ક મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકાયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહે 2022ની વિધાનસભા ચૂંટણી અને તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતવિસ્તારવાર પરિણામોનું વિશ્લેષણ કરીને જ્યાં પક્ષને તુલનાત્મક રીતે ઓછો મત મળ્યો હતો તે વિસ્તારો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપી હતી.
બેઠકમાં રાજ્ય સામે ઉભા થઈ શકે એવા વહીવટી અને પ્રાકૃતિક પડકારોની પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને ચોમાસાની અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારને દરેક સ્થિતિ પર સતત નજર રાખવા અને જરૂરી પગલાં લેવા સૂચન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ભાજપના સંગઠનને વધુ સક્રિય બનાવવા માટે પ્રદેશ અધ્યક્ષ દ્વારા ‘એક દિવસ – એક વિધાનસભા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત પક્ષના મહામંત્રીઓને પોતાના ઝોનની નબળી બેઠકો પર વિશેષ ધ્યાન આપીને સતત ફીડબેક સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
ભાજપ આગામી ચૂંટણી માટે વિધાનસભાની તમામ બેઠકોનું તબક્કાવાર મૂલ્યાંકન કરી રહ્યું છે. પાર્ટી વિવિધ કેટેગરીમાં બેઠકોનું વર્ગીકરણ કરીને તે મુજબ વ્યૂહરચના ઘડી રહી છે. આ સાથે રાજ્યના તમામ 162 ભાજપ ધારાસભ્યોના ચાર વર્ષના કામગીરી અહેવાલ (રિપોર્ટ કાર્ડ) તૈયાર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. આ કામગીરીમાં ઝોન સ્તરના સંગઠનના હોદ્દેદારો અને સંબંધિત લોકસભા સભ્યોને પણ જોડવામાં આવશે.
પાર્ટીનું માનવું છે કે સમયસરની તૈયારી, સંગઠનાત્મક મજબૂતી અને સરકારની કામગીરીના આધારે આગામી ચૂંટણીમાં પણ સારો દેખાવ નોંધાવી શકાય.









