મહારાષ્ટ્રના ભાજપ નેતા અને અહમદનગરના પૂર્વ સાંસદ સુજય વિખે પાટીલે હાઈવેના કામમાં વિલંબ અને રાજ્યમાં દારૂના વધતા વપરાશ અંગે અજીબોગરીબ દાવો કર્યો છે. તેમણે આ બંને બાબતો પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને વૈશ્વિક અસ્થિરતાને જવાબદાર ગણાવી છે.
અહિલ્યાનગર-મનમાડ હાઈવે પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે અમેરિકા-ઈરાન તણાવને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા પર અસર પડી છે. તેના કારણે બાંધકામ માટે જરૂરી ડામરની અછત સર્જાઈ છે અને કોન્ટ્રાક્ટરોને દિલ્હીથી મોંઘા ભાવે ડામર મંગાવવો પડી રહ્યો છે. પરિણામે પ્રોજેક્ટનો ખર્ચ પણ વધી ગયો હોવાનું તેમણે જણાવ્યું.
વધુમાં વિખે પાટીલે દાવો કર્યો કે વૈશ્વિક પરિસ્થિતિને કારણે લોકોમાં મૂંઝવણ વધી છે અને તેના પરિણામે દારૂના વપરાશમાં પણ વધારો થયો છે. તેમના આ નિવેદનને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.








