જૂની તારીખો હટાવી નવા લેબલ લગાવી ફરી વેચાણનું કારસ્તાન : રૂ.75 લાખથી વધુનો જથ્થો જપ્ત
નવી મુંબઈ: મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને નવી મુંબઈના તુર્ભે વિસ્તારમાં એક ચોંકાવનારા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અહીં એક પેકેજિંગ યુનિટમાં એક્સપાયર થયેલા ખાદ્ય અને પીણાંના પેકેટ પર નવી મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ લગાવીને ફરી બજારમાં વેચવાનો ખેલ ચાલતો હોવાનું સામે આવ્યું છે.
FDAની ટીમે સાધના એન્ટરપ્રાઇઝીસમાં કાર્યવાહી દરમિયાન રૂ.75 લાખથી વધુ કિંમતના 4,992 કાર્ટુન જપ્ત કર્યા હતા.
જૂની તારીખો ભૂંસી નવા સ્ટીકર લગાવતા
તુર્ભેના TTC ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી સાધના એન્ટરપ્રાઇઝીસમાં 24થી 29 ઓગસ્ટ દરમિયાન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન યુનિટના સંચાલકો અલગ-અલગ કંપનીઓ પાસેથી ખાદ્ય અને પીણાંનો જથ્થો મેળવતા હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ મૂળ પેકેજિંગ પર છપાયેલી મેન્યુફેક્ચરિંગ, એક્સપાયરી અથવા ‘યુઝ-બાય’ તારીખો દૂર કરી તેના સ્થાને નવી તારીખોના લેબલ લગાવવામાં આવતા હતા.
કેટલાક ઉત્પાદનો પર મૂળ પેકેજિંગ અને ન્યુટ્રિશનલ માહિતી ઉપર પણ નવા સ્ટીકર લગાવવામાં આવ્યા હતા. આ રીતે એક્સપાયર થયેલી વસ્તુઓને ફરીથી વેચાણ માટે યોગ્ય હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
ચિપ્સ, સ્નેક્સથી લઈને સોફ્ટ ડ્રિંક સુધી
દરોડા દરમિયાન મળેલા જથ્થામાં વિવિધ જાણીતી બ્રાન્ડના ખાદ્યપદાર્થો અને પીણાંનો સમાવેશ થાય છે. તેમાં લેઝ, કુરકુરે, બિંગો જેવા ચિપ્સ-સ્નેક્સ, મેગી ઇન્સ્ટન્ટ અને રેડી-ટુ-ઈટ પ્રોડક્ટ્સ, હેવમેન્સ મેયોનેઝ ઉપરાંત થમ્સ અપ અને લિમ્કા જેવા સોફ્ટ ડ્રિંકનો પણ સમાવેશ થાય છે.
FDA અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઉત્પાદનોના મૂળ પેકેજિંગ સાથે ચેડાં કરીને નવી તારીખો દર્શાવવામાં આવતી હતી.
દેશમાં વેચાણ ઉપરાંત નિકાસ પણ
FDAએ જણાવ્યું હતું કે આ રીતે તૈયાર કરવામાં આવેલો ખાદ્ય જથ્થો દેશના વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે મોકલવામાં આવતો હતો તેમજ અન્ય દેશોમાં નિકાસ પણ કરવામાં આવતો હતો. આથી સમગ્ર મામલાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે.
કાર્યવાહી બાદ TTC ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી સાધના એન્ટરપ્રાઇઝીસનું લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલા જથ્થા અને સમગ્ર સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા
એક્સપાયર થયેલા ખાદ્યપદાર્થોની તારીખ બદલીને તેને ફરી બજારમાં મૂકવાની ઘટના સામે આવતાં ગ્રાહકોના આરોગ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જૂની તારીખો ભૂંસી નવી તારીખો લગાવીને ખાદ્યપદાર્થો વેચવાનું કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે હવે તપાસનો દોર આગળ વધશે.








