KMP એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત : ટ્રક પાછળ પિકઅપ ઘૂસી જતાં 6નાં મોત

હરિયાણા: કુંડલી-માનેસર-પલવલ (KMP) એક્સપ્રેસવે પર આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તાની સાઇડમાં ઊભેલા ટ્રક સાથે પૂરઝડપે આવેલી પિકઅપ વાન અથડાતાં 6 યાત્રાળુઓનાં મોત થયા હતા, જ્યારે 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ પિકઅપ વાનનો ચાલક વાહન હંકારી રહ્યો હતો ત્યારે તેને અચાનક ઝોકું આવી ગયું હતું. જેના કારણે પિકઅપ વાન બેકાબૂ બની હતી અને રસ્તાની બાજુમાં ઊભેલા ટ્રકના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

ટક્કર એટલી ભીષણ કે પિકઅપનો કચ્ચરઘાણ

આ અકસ્માત આજે સવારે આશરે 5:30 વાગ્યે KMP એક્સપ્રેસવે પર થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપ વાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચગદાઈ ગયો હતો. અકસ્માત બાદ પિકઅપમાં સવાર અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા.

અકસ્મતમાં ત્રણ પુરુષો અને ત્રણ મહિલાઓ સહિત છ યાત્રાળુઓનાં મોત થયા છે. જ્યારે 14 અન્ય યાત્રાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ લોકોની મદદે દોડી આવ્યા

અકસ્મતનો અવાજ સાંભળીને અને ઘટના જોતા આસપાસથી પસાર થતા વાહનચાલકો તથા સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

પોલીસ તથા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી પિકઅપમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.

ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા

અકસ્મતમાં ભોગ બનેલા લોકો ઉત્તર પ્રદેશના મેનપુરી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તમામ લોકો ધાર્મિક યાત્રા માટે નીકળ્યા હતા. જોકે, યાત્રા દરમિયાન KMP એક્સપ્રેસવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ચાલકને ઝોકું આવી જતાં પિકઅપ બેકાબૂ બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें