ખર્ચ ઘટાડવા કંપનીની કવાયત : ભારતની એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને ક્લાઉડ ટીમો પર પણ અસરની શક્યતા
દિગ્ગજ ટેક કંપની ઓરેકલમાં ફરી એક વખત મોટા પાયે છટણીની ચર્ચાએ કર્મચારીઓમાં ચિંતા વધારી છે. અહેવાલો અનુસાર કંપની વિશ્વભરમાં આશરે 10,000 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાની તૈયારી કરી રહી છે. ખર્ચમાં ઘટાડો કરવા માટે કંપની વિવિધ વિભાગોમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની કવાયત કરી રહી હોવાનું જાણવા મળે છે.
આ છટણીનો સીધો પ્રભાવ ભારતની ઓરેકલ ટીમો પર પણ પડી શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી 10,000 કર્મચારીઓની છટણી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ કરી નથી. તેથી અંતિમ આંકડો અને અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા અંગે હાલ અનિશ્ચિતતા છે.
સપ્ટેમ્બરમાં શરૂ થઈ શકે છે છટણી
મળતી માહિતી પ્રમાણે ઓરેકલના આઈટી, એન્જિનિયરિંગ અને ક્લાઉડ સર્વિસ વિભાગોને ખર્ચ ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે. આ સ્થિતિને પગલે સપ્ટેમ્બર મહિનામાં વિવિધ વિભાગોમાં કર્મચારીઓને ઘટાડવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે.
કંપનીના કર્મચારીઓમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે 15 સપ્ટેમ્બરની આસપાસ છટણી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. જોકે, કયા વિભાગમાંથી કેટલા કર્મચારીઓની નોકરી જશે તેની ચોક્કસ માહિતી હાલમાં મેનેજમેન્ટ સ્તરે પણ સ્પષ્ટ નથી.
AI અને ક્લાઉડમાં મોટું રોકાણ
ઓરેકલ હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ કમ્પ્યુટિંગ ક્ષેત્રે મોટા પાયે રોકાણ કરી રહી છે. ખાસ કરીને AI માટે જરૂરી ડેટા સેન્ટરો ઊભા કરવા કંપની દ્વારા ભારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
કંપનીના વાર્ષિક અહેવાલમાં નવી ટેક્નોલોજી અને AIના વધતા ઉપયોગને કારણે કેટલીક કામગીરી માટે કર્મચારીઓની જરૂરિયાત ઘટી રહી હોવાનું પણ જણાવાયું છે. આ પરિબળો સાથે ખર્ચ ઘટાડવાની વ્યૂહરચનાને કારણે વર્કફોર્સમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા છે.
એક વર્ષમાં 21 હજાર કર્મચારીઓનો ઘટાડો?
અહેવાલો અનુસાર છેલ્લા એક વર્ષમાં ઓરેકલના વૈશ્વિક વર્કફોર્સમાં આશરે 21,000 કર્મચારીઓનો ઘટાડો થઈ ચૂક્યો છે. મોટા પાયે કર્મચારીઓની છટણીને કારણે કંપનીને ગ્રેચ્યુઈટી અને સેવરન્સ પાછળ પણ કરોડો ડોલરનો ખર્ચ કરવો પડ્યો હોવાનું જાણવા મળે છે.
ભારતીય કર્મચારીઓ પર ખાસ નજર
ભારત ઓરેકલ માટે મહત્વનું ટેકનોલોજી સેન્ટર છે. દેશમાં કંપનીની એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને સપોર્ટ સાથે સંકળાયેલી મોટી ટીમો કાર્યરત છે. તેથી વૈશ્વિક છટણીનો નિર્ણય લેવામાં આવે તો ભારતીય કર્મચારીઓ પર તેની અસર કેટલી રહેશે તે મહત્વનો પ્રશ્ન બની રહ્યો છે.
ઓરેકલ 11 સપ્ટેમ્બરે પોતાના ત્રિમાસિક નાણાકીય પરિણામો જાહેર કરવાની છે. આ જાહેરાત પહેલાં અથવા તેની આસપાસ કંપનીની વર્કફોર્સ અને ખર્ચ ઘટાડવાની નીતિ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.
જો છટણીનો નિર્ણય અમલમાં આવે તો અસરગ્રસ્ત કર્મચારીઓના સિસ્ટમ એક્સેસને બંધ કરી ઈ-મેઈલ દ્વારા તેમને જાણ કરવામાં આવે તેવી ચર્ચા છે. જોકે, કંપનીની સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી છટણીનો ચોક્કસ આંકડો અને તેની અસર અંગે અંતિમ નિષ્કર્ષ કાઢવો વહેલો ગણાશે.








