H-1B વિઝા મામલે ટ્રમ્પ તંત્રનો મોટો નિર્ણય, 1 લાખ ડૉલરની ફીનો નિયમ વધુ એક વર્ષ લંબાવ્યો

વોશિંગ્ટનઃ અમેરિકામાં H-1B વિઝાને લઈને ટ્રમ્પ પ્રશાસને વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. H-1B વિઝા માટે 1 લાખ ડૉલરની ફી વસૂલવાના અગાઉના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. આ સાથે 18 સપ્ટેમ્બર, 2026ના રોજ નવો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં H-1B વિઝાના ઉપયોગ પર વધુ કડક દેખરેખ અને તપાસની જોગવાઈ કરવામાં આવી છે.

નવા આદેશમાં ખાસ કરીને એવી કંપનીઓ અને આઉટસોર્સિંગ ફર્મો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરવામાં આવી છે, જેના પર ઓછા વેતનવાળા વિદેશી કર્મચારીઓને નોકરીએ રાખીને અમેરિકન કર્મચારીઓની નોકરીઓ પર અસર કરવાનો આરોપ છે. અમેરિકી સરકારના જણાવ્યા મુજબ H-1B વ્યવસ્થાના દુરુપયોગને રોકવા માટે વધુ કડક કાર્યવાહી જરૂરી છે.

H-1B વિઝા અમેરિકન કંપનીઓને વિદેશી કુશળ કર્મચારીઓને નોકરી માટે અમેરિકા બોલાવવાની મંજૂરી આપે છે. ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં આ વિઝાનો વ્યાપક ઉપયોગ થાય છે. ભારત અને ચીનના મોટી સંખ્યામાં પ્રોફેશનલ્સ પણ H-1B વિઝા મારફતે અમેરિકામાં કામ કરે છે.

ટ્રમ્પ પ્રશાસને 2025માં H-1B વિઝા માટે 1 લાખ ડૉલરની ફીનો આદેશ જાહેર કર્યો હતો. અગાઉ આ પ્રકારની ફી સામાન્ય રીતે આશરે 2,000થી 5,000 ડૉલરની વચ્ચે રહેતી હતી. સપ્ટેમ્બર 2026માં આ આદેશની મુદત પૂરી થવાની હતી, જેને હવે વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે.

જોકે, 1 લાખ ડૉલરની ફીને લઈને અમેરિકામાં કાનૂની વિવાદ પણ ચાલી રહ્યો છે. અગાઉ એક અમેરિકી અદાલતે આ ફી અંગે સરકારને વસૂલાતથી રોકવાનો આદેશ આપ્યો હતો. તેથી આ નિર્ણય સામે આગળની કાનૂની પ્રક્રિયા પણ મહત્વપૂર્ણ રહેશે.

વ્હાઇટ હાઉસના દાવા મુજબ કેટલીક કંપનીઓ H-1B કાર્યક્રમનો ઉપયોગ કરીને વિદેશી કર્મચારીઓને સમાન કામ કરતા અમેરિકન કર્મચારીઓ કરતાં ઓછા વેતને રાખે છે. સરકારના દાવા અનુસાર, કેટલાક કિસ્સાઓમાં H-1B કર્મચારીઓને વાર્ષિક 9,000થી 20,000 ડૉલર સુધી ઓછું વેતન આપવામાં આવે છે. જોકે, આ આંકડા અને સરકારના દાવાઓ અંગેના આંકડાકીય આધાર તથા કાનૂની પડકારો પણ ચર્ચાનો વિષય રહ્યા છે.

Leave a Comment

और पढ़ें