હોસ્પિટાલિટી ક્ષેત્રમાં 60 જેટલા લાયસન્સની ઝંઝટ, વારંવારના રિન્યુઅલથી ઉદ્યોગકારોને મળશે રાહત
નવી દિલ્હી: દેશના વેપાર-ઉદ્યોગોને લાયસન્સ અને મંજૂરીની લાંબી પ્રક્રિયામાંથી રાહત આપવા કેન્દ્ર સરકાર મોટી કવાયત કરી રહી છે. વિવિધ સરકારી વિભાગો પાસેથી મેળવવાના લાયસન્સની મુદત વધારીને 10થી 15 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. આ નિર્ણય અમલમાં આવે તો ઉદ્યોગકારોને વારંવાર લાયસન્સ રિન્યુ કરાવવાની ઝંઝટમાંથી મોટી રાહત મળી શકે છે.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ પર્યાવરણ, ડ્રગ્સ, એક્સપ્લોઝિવ્સ અને BIS સહિતના વિવિધ વિભાગોના લાયસન્સને લાંબા ગાળાના કરવાની વિચારણા ચાલી રહી છે. ખાસ કરીને હોસ્પિટાલિટી ક્ષેત્રમાં એક પ્રોજેક્ટ માટે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક તંત્ર પાસેથી મળીને લગભગ 60 અલગ-અલગ લાયસન્સ લેવા પડતા હોવાનું જણાવાયું છે.
હાલમાં અનેક લાયસન્સની મુદત એકથી પાંચ વર્ષ સુધીની હોય છે. શરૂઆતમાં લાયસન્સ પ્રથા નાબૂદ કરવાની શક્યતા પણ વિચારવામાં આવી હતી, પરંતુ સમીક્ષા બાદ આ વિકલ્પ યોગ્ય ન લાગતાં હવે 10 કે 15 વર્ષના લાંબા ગાળાના લાયસન્સ આપવાનો વિકલ્પ આગળ આવ્યો છે.
રિન્યુઅલની દોડધામ ઘટશે
સૂચિત સુધારા હેઠળ લાયસન્સની મૂળભૂત જરૂરિયાત યથાવત રહી શકે છે. એટલે કે, જરૂરી પરવાના લેવા પડશે, પરંતુ તેની મુદત લાંબી હોવાથી વારંવાર રિન્યુઅલ કરાવવાની પ્રક્રિયા ઘટશે. વેપાર-ઉદ્યોગોએ નિયત ફી ભરવાની રહેશે.
આ સમગ્ર કવાયત નીતિ આયોગના સભ્ય અને પૂર્વ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વ હેઠળની ઉચ્ચસ્તરીય સમિતિ દ્વારા કરવામાં આવી રહી છે. આ સમિતિની રચના ઓગસ્ટ 2025માં કરવામાં આવી હતી અને તેને કેન્દ્ર સરકારના નિયમો, મંજૂરીઓ અને લાયસન્સ પ્રક્રિયાની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
સરકારનો હેતુ નિયમો સંપૂર્ણપણે દૂર કરવાનો નહીં પરંતુ બિનજરૂરી વહીવટી પ્રક્રિયા અને રિન્યુઅલની ઝંઝટ ઘટાડવાનો છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવે તો વેપાર-ઉદ્યોગો માટે લાંબા ગાળે સમય અને વહીવટી ખર્ચ બંનેમાં રાહત મળી શકે છે.









