કેન્સર સામે ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સફળતા! ‘સ્માર્ટ દવા’ કેન્સર કોષોને જ બનાવશે નિશાન

કીમોથેરાપીની આડઅસર ઘટાડવાની આશા, ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરમાં પ્રી-ક્લિનિકલ ટેસ્ટના પરિણામો આશાસ્પદ

કેન્સરની સારવારમાં કીમોથેરાપી અસરકારક હોવા છતાં તેની આડઅસર દર્દીઓ માટે મોટી મુશ્કેલી બની રહે છે. કેન્સર કોષો સાથે સ્વસ્થ કોષોને પણ નુકસાન થવાથી વાળ ખરવા, ઉબકા, નબળાઈ જેવી સમસ્યાઓ થઈ શકે છે. હવે ભારતીય વૈજ્ઞાનિકોએ કેન્સર કોષોને વધુ ચોકસાઈથી નિશાન બનાવતી નવી ‘સ્માર્ટ દવા’ વિકસાવી છે.

IASST અને IIT ગુવાહાટીના સંશોધકોએ RK-251 નામની દવા વિકસાવી છે. આ દવાનું ખાસ લક્ષણ એ છે કે તે કેન્સર કોષની અંદર પહોંચ્યા બાદ ત્યાં રહેલા ચોક્કસ મોલિક્યુલ્સની હાજરીમાં સક્રિય થાય છે. સામાન્ય કોષોની સરખામણીએ કેન્સર કોષોમાં આવા મોલિક્યુલ્સનું પ્રમાણ વધુ હોવાથી દવાને કેન્સર કોષોને જ નિશાન બનાવવાની ક્ષમતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દવા સક્રિય થયા બાદ તે કેન્સર કોષોને જીવંત રહેવામાં અને સારવાર સામે પ્રતિકાર કરવામાં મદદ કરતા ચોક્કસ પ્રોટીનને નિશાન બનાવે છે. આ રીતે કેન્સર કોષોના વિકાસને અટકાવવાનો પ્રયાસ થાય છે.

ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરમાં દેખાઈ અસર

શરૂઆતી પ્રી-ક્લિનિકલ અભ્યાસમાં RK-251એ ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર કોષો સામે નોંધપાત્ર અસર દર્શાવી છે. બીજી તરફ સામાન્ય સ્વસ્થ કોષો પર તેની અસર ઓછી જોવા મળી હોવાનું સંશોધનમાં જણાવાયું છે.

ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં વિકલ્પો મર્યાદિત હોવાથી આ સંશોધનને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જોકે, હાલમાં આ દવા માનવ સારવાર માટે ઉપલબ્ધ નથી અને હજુ માનવો પર ક્લિનિકલ ટ્રાયલ સહિતના અનેક તબક્કા બાકી છે.

જો આગામી સંશોધન અને માનવ પરીક્ષણોમાં પણ દવા સલામત અને અસરકારક સાબિત થાય, તો ભવિષ્યમાં ઓછી આડઅસર સાથે વધુ ચોક્કસ કેન્સર સારવારનો માર્ગ ખૂલી શકે છે.

Leave a Comment