રાજકોટ: શાપર પોલીસે મોબાઈલ ટાવર પર લગાવવામાં આવતા મોંઘા AZNA રિમોટ રેડિયો યુનિટની ચોરી કરી દિલ્હી મારફતે વિદેશમાં વેચાણ કરતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે રાજકોટ, ચોટીલા અને જસદણના ત્રણ શખ્સોની ધરપકડ કરી બે રેડિયો યુનિટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ચાલુ વીજપ્રવાહ દરમિયાન મોબાઈલ ટાવર પર ચઢીને ઇલેક્ટ્રિક વાયર કાપતા અને યુનિટની ચોરી કરતા હતા. ચોરાયેલા ડિવાઇસને કુરિયર મારફતે દિલ્હી મોકલવામાં આવતા અને ત્યાંથી વિદેશમાં સપ્લાય કરવામાં આવતા હોવાની કબૂલાત આરોપીઓએ કરી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસે જયદીપ વલ્લભ બાવળિયા, રાહુલ સુરેશ સતવાણી અને ધર્મેશ ધીરુ મેવાસિયાની ધરપકડ કરી છે. તેમની પાસેથી બે નોકિયા કંપનીના AZNA રિમોટ રેડિયો યુનિટ, કાર, મોબાઈલ ફોન તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કરવામાં આવ્યા છે.
તપાસમાં આરોપીઓએ રાજકોટ અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં અનેક મોબાઈલ ટાવરને નિશાન બનાવ્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન વિવિધ સ્થળોએથી મોટી સંખ્યામાં રેડિયો યુનિટ ચોરી કરવામાં આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
શાપર પોલીસ હવે આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ, ચોરીના ડિવાઇસના ખરીદદારો તેમજ દિલ્હીથી વિદેશ સુધી ચાલતા નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહી છે. વધુ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.








