મોરબીમાં છરી બતાવી શ્રમિકોને લૂંટનારા 3 આરોપી ઝડપાયા : કોર્ટના 2 દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી: મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ભરતનગર ગામ નજીક ત્રણ શ્રમિકોને છરીની અણીએ રોકી મોબાઈલ અને રોકડ સહિત રૂ.11 હજારની લૂંટ કરવાના ગુનામાં મોરબી તાલુકા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.75 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.

મૂળ બનાસકાંઠાના અને હાલ મોરબીના ખોખરા હનુમાન રોડ પર પેપર મિલની ઓરડીમાં રહેતા રાહુલ વેલાભાઈ વાલડીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તા.27ની રાત્રે રાહુલ તેના મિત્રો રાણાભાઈ લક્ષ્મણભાઈ વાલડીયા અને સુરજ રામદયાલ જાટમ સાથે ભરતનગર નજીક આવેલી કે.કે. હોટેલમાં જમ્યા બાદ કારખાના તરફ જઈ રહ્યા હતા.

દરમિયાન સ્કૂટર પર આવેલા ત્રણ શખ્સોએ તેમને રસ્તામાં અટકાવ્યા હતા. આરોપીઓએ છરી બતાવી ધમકી આપી હતી અને તેમની પાસે રહેલો સામાન આપી દેવા જણાવ્યું હતું. ભયના કારણે રાહુલે રૂ.10 હજારનો મોબાઈલ ફોન અને રૂ.1 હજાર રોકડા, મળી કુલ રૂ.11 હજારનો મુદ્દામાલ આરોપીઓને આપી દીધો હતો.

12 મોબાઈલ સહિત રૂ.75 હજારનો મુદ્દામાલ કબજે

ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિકાસ અનિલભાઈ લોરીયા, ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ અને ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડા, ત્રણેય રહે. ઇન્દિરાનગર, મોરબીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી જુદી-જુદી કંપનીના 12 મોબાઈલ ફોન કિંમત રૂ.54 હજાર, રૂ.1 હજાર રોકડા, છરી તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલ GJ-36-AQ-1165 નંબરનું સ્કૂટર કિંમત રૂ.20 હજાર કબજે કર્યું છે. આમ કુલ રૂ.75 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બે આરોપીઓ સામે અગાઉ પણ અનેક ગુના

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિકાસ લોરીયા સામે મોરબી સિટી અને તાલુકા વિસ્તારમાં અગાઉ 5 ગુના નોંધાયેલા છે. જ્યારે ભુપતભાઈ ચૌહાણ સામે મોરબી તાલુકા, મોરબી સિટી, સુરેન્દ્રનગર અને માળિયા વિસ્તારમાં કુલ 7 ગુના નોંધાયેલા હોવાનું પોલીસના રેકોર્ડમાં સામે આવ્યું છે.

ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા લૂંટના અન્ય બનાવોમાં તેમની સંડોવણી તથા અન્ય સાગરીતો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Comment

और पढ़ें