ખાંડથી કાર સુધીના ભાવ વધતાં સામાન્ય પરિવારનું બજેટ વેરવિખેર
‘વિકસિત ભારત’ના સપના વચ્ચે સામાન્ય માણસ માટે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓના ભાવ સતત વધતાં મધ્યમવર્ગ અને સામાન્ય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે. મોંઘવારી હવે માત્ર આંકડાઓમાં નહીં, પરંતુ કરિયાણાની દુકાન, શાકભાજીના બજાર અને વાહનના શોરૂમમાં સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે.
ખાંડ, ચોખા, ખાદ્યતેલ, આદુ-લસણથી લઈને બિસ્કિટ, ટૂથપેસ્ટ અને હેરઓઈલ સુધીની વસ્તુઓ મોંઘી બની રહી છે. બીજી તરફ કાર, ટાયર, પેઈન્ટ અને એસીના ભાવમાં પણ વધારો થતાં સામાન્ય માણસ માટે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી વધુ ખર્ચાળ બની રહી છે.
= ખાંડ-તેલે રસોડાનું બજેટ બગાડ્યું
ખાંડના ભાવમાં બે મહિનામાં આશરે 40 ટકા સુધીનો વધારો થયો છે. બીજી તરફ સરસવ, સૂરજમુખી, મગફળી અને પામ ઓઈલના ભાવમાં પણ 10થી 27 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાથી સીધી અસર સામાન્ય પરિવારના રસોડાના બજેટ પર પડી રહી છે.
મીઠા જેવી સામાન્ય વસ્તુ પણ મોંઘી થઈ છે. કંપનીઓ દ્વારા કિંમતોમાં વધારો કરવામાં આવતા દર મહિને કરિયાણાની ખરીદી પાછળ થતો ખર્ચ વધી રહ્યો છે.
= મફત મળતી કોથમીર પણ રૂ.220 કિલો!
મોંઘવારીની અસર શાકભાજીના બજારમાં પણ જોવા મળી રહી છે. કેટલાક સ્થળોએ શાકભાજી સાથે મફતમાં આપવામાં આવતી કોથમીરનો ભાવ પણ રૂ.220 પ્રતિ કિલો સુધી પહોંચ્યો હોવાના અહેવાલો છે. આ સ્થિતિ દર્શાવે છે કે મોંઘવારી હવે સામાન્ય માણસની રોજિંદી જરૂરિયાતોમાં પણ ઊંડે સુધી પહોંચી ગઈ છે.
= બિસ્કિટ, ટૂથપેસ્ટ અને હેરઓઈલ પણ મોંઘા
રોજિંદા ઉપયોગની FMCG વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. હેરઓઈલ, ટૂથપેસ્ટ અને અન્ય પર્સનલ કેર પ્રોડક્ટ્સ મોંઘી બની રહી છે. બિસ્કિટના ભાવ વધારવા અથવા પેકેટનું વજન ઘટાડવાની શક્યતાઓ વચ્ચે ગ્રાહક પર બેવડો બોજ પડવાની સ્થિતિ છે.
એટલે કે, ક્યાંક વસ્તુ માટે વધુ પૈસા ચૂકવવા પડશે તો ક્યાંક એ જ કિંમતે ઓછું ઉત્પાદન મળશે.
= ટાયરથી એસી સુધી ભાવવધારો
વાહનચાલકો માટે પણ રાહતના સમાચાર નથી. ટાયરના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. બીજી તરફ એર કન્ડિશનરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તાંબાના ભાવ, પરિવહન ખર્ચ અને રૂપિયાની નબળી સ્થિતિને કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો હોવાનું કારણ આગળ ધરવામાં આવી રહ્યું છે.
પેઈન્ટના ભાવમાં પણ વધારો થતાં ઘર બનાવનારા અને રિનોવેશન કરાવનારા લોકોના ખર્ચમાં વધારો થશે.
= કાર ખરીદવી પણ હવે વધુ મોંઘી
કાર ખરીદવાનું સપનું જોતા મધ્યમવર્ગ માટે પણ ખર્ચ વધ્યો છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સે સપ્ટેમ્બરથી રૂ.25 હજાર સુધીનો ભાવવધારો જાહેર કર્યો છે. હ્યુન્ડાઈએ પોતાના મોડલ્સમાં 1 ટકા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ સુઝુકીએ પણ કારના ભાવમાં રૂ.30 હજાર સુધીનો વધારો કર્યો છે.
કાચા માલ અને કોમોડિટી ખર્ચ વધવાના કારણે કંપનીઓ ભાવ વધારી રહી છે, પરંતુ અંતે તેનો સીધો બોજ ગ્રાહકના ખિસ્સા પર પડી રહ્યો છે.
= મોંઘવારી રોકવા વ્યાજ વધ્યું તો EMIનો બોજ પણ વધશે!
મોંઘવારી જો આગળ પણ આ જ રીતે વધતી રહી તો તેને કાબૂમાં લેવા રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારો કરવાનો વિકલ્પ અપનાવી શકે છે. પરંતુ વ્યાજદર વધશે તો તેનો બીજો માર લોન લેનારા સામાન્ય માણસ પર પડશે.
હોમ લોન, કાર લોન સહિતની વિવિધ લોનના EMI વધી શકે છે. એટલે એક તરફ ખાદ્ય અને જીવનજરૂરી વસ્તુઓ મોંઘી થશે અને બીજી તરફ લોનનો માસિક હપ્તો વધશે.
મોંઘવારીના આ બેવડા માર વચ્ચે સામાન્ય માણસનો એક જ સવાલ છે—‘વિકસિત ભારત’ની વાતો વચ્ચે ઘરનું માસિક બજેટ ક્યારે વિકસશે?









