આકાશદીપ-મુકેશ કુમારની DSP નોકરી માટે 5 વર્ષ ક્રિકેટ રમવાની શરત

બિહાર સરકારની નવી શરત; ક્રિકેટ છોડશે તો સરકારી નોકરી પર પડી શકે છે અસર

પટના: ભારતીય ક્રિકેટમાં બિહારનું નામ ઉજ્જવળ કરનારા ઝડપી બોલર આકાશદીપ અને મુકેશ કુમારને તાજેતરમાં બિહાર સરકાર દ્વારા ડીએસપીના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે બંને ખેલાડીઓની સરકારી નોકરીને લઈને સરકારની મહત્વપૂર્ણ શરત સામે આવી છે.

5 વર્ષનું બોન્ડ ભરવું પડશે

બિહારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી નવી અધિસૂચના મુજબ આકાશદીપ અને મુકેશ કુમાર સહિત તાજેતરમાં સરકારી પદ મેળવનારા રમતવીરોએ 5 વર્ષનું બોન્ડ ભરવાનું રહેશે.

બોન્ડની શરત મુજબ બંને ખેલાડીઓએ આગામી પાંચ વર્ષ સુધી ‘સક્રિય ક્રિકેટર’ તરીકે વિવિધ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનો રહેશે.

ક્રિકેટ રમવાનું બંધ કર્યું તો નોકરી પર સંકટ

સરકારી સેવામાં જોડાયા બાદ પણ બંને ક્રિકેટરોએ પોતાની રમત ચાલુ રાખવી પડશે. જો તેઓ બોન્ડની શરતોનું ઉલ્લંઘન કરે અથવા સક્રિય ક્રિકેટર તરીકે રમવાનું બંધ કરે તો તેમની DSP તરીકેની સરકારી નોકરી પર કાર્યવાહી થઈ શકે છે.

આ શરતનો મુખ્ય હેતુ ખેલાડીઓને સરકારી સેવામાં તક આપવાની સાથે તેમની રમતગમતની કારકિર્દી પણ ચાલુ રાખવાનો છે.

બંને ક્રિકેટરોને તાજેતરમાં મળ્યા હતા નિયુક્તિ પત્ર

સાસરામના આકાશદીપ અને ગોપાલગંજના મુકેશ કુમારને તાજેતરમાં બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી દ્વારા અન્ય રમતવીરો સાથે એક જાહેર કાર્યક્રમમાં નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા.

બિહાર સરકારે રાજ્યના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકેલી વિશેષ નીતિ હેઠળ બંનેની ઉચ્ચ પોલીસ પદ પર પસંદગી કરી છે.

રમત સાથે સરકારી સેવાની જવાબદારી

બિહાર સરકારની આ નીતિ હેઠળ ખેલાડીઓને સરકારી નોકરીની સાથે પોતાની રમત ચાલુ રાખવાની તક આપવામાં આવી રહી છે. જોકે, આકાશદીપ અને મુકેશ કુમાર માટે આગામી પાંચ વર્ષ સુધી બોન્ડની શરતોનું પાલન કરવું ફરજિયાત રહેશે.

અર્થાત્, ક્રિકેટમાં સક્રિયતા જાળવવી બંને ખેલાડીઓ માટે હવે માત્ર રમતિયાળ કારકિર્દી નહીં પરંતુ સરકારી સેવાની શરત પણ બની ગઈ છે.

Leave a Comment